રિપોર્ટ@દિલ્હી: કફ સીરપ પીવાથી 23 બાળકોના અચાનક મોત, જાણો વધુ વિગતે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કફ સીરપ પીવાથી 23 બાળકોનાઅચાનક મોત નીપજતા ખળભળાટ મચી ગયો હતો. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આ ઘટના બની હતી. અત્યાર સુધીમાં મધ્યપ્રદેશમાં 19 અને રાજસ્થાનમાં 4 બાળકોના મોત થયા છે. આ રોગચાળાને પગલે મધ્યપ્રદેશ, રાજસ્થાન, કેરળ, તમિલનાડુ અને પંજાબે આ સીરપના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.
આ મામલે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં આ મામલાની સીબીઆઈ તપાસ અને દેશભરમાં દવાઓની સલામતીની તપાસની માગ કરવામાં આવી છે.
એડવોકેટ વિશાલ તિવારીએ અરજીમાં માગ કરી છે કે કોર્ટે સરકારને રાષ્ટ્રીય ન્યાયિક પંચ અથવા નિષ્ણાત સમિતિની રચના કરવાનો નિર્દેશ આપવો જોઈએ અને તપાસ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની દેખરેખ હેઠળ થવી જોઈએ.
દરમિયાન, તમિલનાડુ ડ્રગ્સ કંટ્રોલ વિભાગે સીરપ બનાવતી કંપનીને કારણદર્શક નોટિસ ફટકારી છે. કાંચીપુરમ સ્થિત કંપની શ્રીસન ફાર્માસ્યુટિકલ્સે કંપનીને નોટિસ ફટકારી છે. સરકારે કંપની પાસેથી પાંચ દિવસમાં જવાબ માગ્યો છે.
ગુજરાત સ્થિત બે કફ સીરપ કંપનીઓના નમૂનાઓમાં પણ ઝેરી ડાયઇથિલિન ગ્લાયકોલ અને ઇથિલિન ગ્લાયકોલનું ઉચ્ચ સ્તર જોવા મળ્યું. છિંદવાડામાંથી 19 દવાઓના નમૂના લેવામાં આવ્યા હતા.
ગુજરાતના રિલાઇફ સીરપ અને રેસ્પિફ્રેશ ટીઆર સીરપમાં અનિયમિતતાઓ મળી આવી છે. મધ્યપ્રદેશમાં બંને સીરપના સ્ટોક અને વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગુજરાત સરકારને પણ એક પત્ર લખીને તપાસની વિનંતી કરવામાં આવી છે.