રિપોર્ટ@દેશ: રાજધાની એક્સપ્રેસની અડફેટે આવતા 8 હાથીઓના મોત, જાણો સમગ્ર દુર્ઘટના

રાજધાની એક્સપ્રેસ 140 કિમી પ્રતિ કલાકની ઝડપે જઈ રહી હતી.
 
રિપોર્ટ@દેશ: રાજધાની એક્સપ્રેસની અડફેટે આવતા 8 હાથીઓનાં મોત, જાણો સમગ્ર દુર્ઘટના

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અકસ્માતની ઘટનાઓ અવાર-નવાર સામે આવતી હોય છે. ફરી એકવાર અકસ્માતની ભયાનક દુર્ઘટના સામે આવી છે. આસામના હોજાઈ જિલ્લામાં સાયરાંગ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસની અડફેટે આવતા 8 હાથીઓનાં મોત થયા હતા. આ દરમિયાન રાજધાની એક્સપ્રેસના 5 કોચ અને એન્જિન પાટા પરથી ઉતરી ગયા હતા. જોકે, મુસાફરોને કોઈ ઈજા થઈ ન હતી. મુસાફરોના જણાવ્યા અનુસાર, જ્યારે આ અકસ્માત થયો ત્યારે રાજધાની એક્સપ્રેસ 140 કિમી પ્રતિ કલાકની ઝડપે જઈ રહી હતી.

ટ્રેન અકસ્માત પૂર્વોત્તર સીમાંત રેલવેના લુમડિંગ ડિવિઝનમાં થયો હતો. અકસ્માત સ્થળ ગુવાહાટીથી લગભગ 126 કિલોમીટર દૂર છે. રેસ્ક્યૂ ટ્રેન અધિકારીઓ સાથે ઘટનાસ્થળ તરફ રવાના થઈ ચૂકી છે. સૂત્રો અનુસાર, પાટા પરથી ઉતરી જવા અને પાટા પર હાથીઓના મૃતદેહ મળવાને કારણે ઉપલા આસામ અને પૂર્વોત્તરના અન્ય ભાગો માટે રેલ સેવાઓ હાલ પૂરતી બંધ છે. વન વિભાગના સૂત્રોએ જણાવ્યું કે ટ્રેન અકસ્માતમાં 8 હાથીઓના મોત થયા છે. હાથીનું એક નાનું બચ્ચું આ અકસ્માતમાં ઘાયલ થયું છે, જેની સારવાર ચાલી રહી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્રેન પાટા પરથી ઉતરી જવા અને હાથીઓના શરીરના અંગો પાટા પર વિખેરાઈ જવાને કારણે ઉપલા આસામ અને પૂર્વોત્તરના અન્ય ભાગો માટે રેલ સેવાઓ હાલમાં ડાયવર્ટ કરવામાં આવી છે. આ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેનોને યુપી લાઇન પર ડાયવર્ટ કરવામાં આવી રહી છે. આસામમાં ટ્રેનના પાટાના સમારકામનું કામ ચાલુ છે.

રેલવેના અધિકારીઓએ જણાવ્યું કે અકસ્માતગ્રસ્ત ટ્રેનના ડબ્બાના મુસાફરોને કામચલાઉ ધોરણે અન્ય ડબ્બામાં ઉપલબ્ધ ખાલી બર્થમાં સમાયોજિત કરવામાં આવ્યા છે. અસરગ્રસ્ત ડબ્બાને અલગ કર્યા પછી પાટા પરથી ઉતરેલી ટ્રેન ગુવાહાટી માટે રવાના થઈ ગઈ છે. ગુવાહાટી પહોંચ્યા પછી ટ્રેનમાં અસરગ્રસ્ત ડબ્બાના મુસાફરોને સમાયોજિત કરવા માટે વધારાના ડબ્બા જોડવામાં આવશે અને ટ્રેન તેની યાત્રા ફરી શરૂ કરશે.