રિપોર્ટ@બાંગ્લાદેશ: શેખ હસીના હજુ પણ બાંગ્લાદેશના વડાપ્રધાન છે? જાણો વધુ વિગતે
રાષ્ટ્રપતિ શહાબુદ્દીને કહ્યું- મને હસીનાનું રાજીનામું મળ્યું નથી, પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ભવનનો ઘેરાવ કર્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશના રાજકારણમાં અમુક બાબતોના કારણે વિવાદ જોવા મળતો હોય છે. બાંગ્લાદેશમાં વડાપ્રધાન શેખ હસીનાને હટાવ્યા બાદ રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનને હટાવવાની માંગણી તેજ થઈ છે. સમાચાર મુજબ રાજધાની ઢાકામાં રાષ્ટ્રપતિ ભવનની સામે હજારો લોકો ભેગા થયા હતા. તેઓ શેખ હસીનાના રાજીનામા અંગેના તેમના નિવેદનથી નારાજ હતા.
પ્રદર્શનકારીઓએ કહ્યું કે રાષ્ટ્રપતિએ પદ પર રહેવાનો તેમનો નૈતિક અધિકાર ગુમાવ્યો છે. રાષ્ટ્રપતિએ 2 દિવસમાં પદ છોડી દેવું જોઈએ તેવી પ્રદર્શનકારીઓએ માંગ કરી હતી. પ્રદર્શનકારીઓએની ભીડ હિંસક બની ગયા બાદ પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના સેલ છોડ્યા હતા.
નાસભાગમાં ઓછામાં ઓછા 5 લોકો ઘાયલ થયા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે કહ્યું કે પ્રદર્શનકારીઓએ તેમના પર પથ્થરમારો શરૂ કર્યો, તેથી તેઓએ કડક કાર્યવાહી કરી. ઢાકા ટ્રિબ્યુન અનુસાર, રાષ્ટ્રપતિ શહાબુદ્દીનના નિવેદનથી ઉગ્ર બનતા વિરોધને જોતા આંદોલન સાથે જોડાયેલા બે નેતા હસનત અબ્દુલ્લા અને સરજીસ આલમ મંગળવારે રાત્રે પ્રદર્શનકારીઓ પાસે પહોંચ્યા હતા. તેમણે લોકોને ત્યાંથી ચાલ્યા જવાની અપીલ કરી હતી. વિદ્યાર્થી નેતાઓએ લોકોને વચન આપ્યું હતું કે બે દિવસમાં દેશમાં સત્તામાં મોટો ફેરફાર થશે.
વિદ્યાર્થી નેતા હસનતે કહ્યું કે તેઓ સેના પ્રમુખની હાજરીમાં રાજકીય પક્ષો સાથે વાત કરશે અને ગુરુવાર સુધીમાં નવા રાષ્ટ્રપતિને પસંદ કરશે. તેમણે કહ્યું કે જો ગુરુવાર સુધીમાં નવા રાષ્ટ્રપતિની પસંદગી કરવામાં નહીં આવે તો તે લોકો સાથે રસ્તા પર ઉતરશે.
રાષ્ટ્રપતિના આ નિવેદન બાદ હવે બાંગ્લાદેશમાં ચર્ચા તેજ થઈ ગઈ છે કે શું બંધારણીય રીતે શેખ હસીના હજુ પણ બાંગ્લાદેશના વડાપ્રધાન છે. શેખ હસીનાએ 5 ઓગસ્ટે બાંગ્લાદેશ છોડી દીધું હતું. તેઓ ભારત ભાગી ગયા હતા. થોડા દિવસો પછી, તેમના પુત્ર વાજિદ જોયે દાવો કર્યો હતો કે શેખ હસીના હજુ પણ બાંગ્લાદેશના વડાપ્રધાન છે.
બાંગ્લાદેશના બંધારણની કલમ 57 મુજબ, જો વડાપ્રધાન કોઈપણ સમયે રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સોંપીને રાજીનામું આપે છે, તો દેશમાં વડાપ્રધાનનું પદ ખાલી થશે. હવે બાંગ્લાદેશમાં આ બાબતે સમસ્યા છે. રાષ્ટ્રપતિ કહી રહ્યા છે કે તેમને શેખ હસીનાનું રાજીનામું મળ્યું નથી.
બાંગ્લાદેશમાં કાયદા મંત્રીનું પદ સંભાળી રહેલા આસિફ નઝરૂલે રાષ્ટ્રપતિના નિવેદનની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ સ્પષ્ટપણે ખોટું બોલી રહ્યા છે. બાંગ્લાદેશમાં મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસના નાયબ સચિવ અપૂર્વ જહાંગીરે કહ્યું કે તેઓ આસિફ નઝરૂલના નિવેદન સાથે સહમત છે. જો કે, તેમણે કહ્યું કે, સરકારે હજુ સુધી રાષ્ટ્રપતિ શહાબુદ્દીનને હટાવવા માટે કોઈ પગલું ભર્યું નથી.