રિપોર્ટ@ક્રિકેટ: ભારતે બીજી વન-ડે મેચમાં અફઘાનિસ્તાનને 403 રનનો ટાર્ગેટ આપ્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભારતે બીજી વન-ડે મેચમાં અફઘાનિસ્તાનને 403 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં અફઘાનિસ્તાનનો સ્કોર 10 ઓવરમાં 62/1 છે. ટીમ તરફથી ઈબ્રાહીમ ઝદરાન અને સેદીકુલ્લાહ અટલ ક્રિઝ પર છે. ગુરનૂર બરારે રહેમાનુલ્લાહ ગુરબાઝને આઉટ કર્યો.
અગાઉ, લખનઉના એકાના સ્ટેડિયમમાં ટૉસ હારતા પહેલી બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ 49.5 ઓવરમાં 402 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. કેપ્ટન શુભમન ગિલે 154 રન બનાવ્યા, જ્યારે ઈશાન કિશને 125 રનની ઇનિંગ રમી હતી.
ભારતની શરૂઆત સારી રહી ન હતી અને યશસ્વી જયસ્વાલ માત્ર 4 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ રોહિત શર્મા અને શુભમન ગિલે બીજી વિકેટ માટે 87 રન જોડીને ઇનિંગ્સને સંભાળી હતી. રોહિત 48 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ ગિલ અને ઈશાને ત્રીજી વિકેટ માટે 224 રનની શાનદાર ભાગીદારી નોંધાવી હતી.
શુભમન ગિલે 16 મહિના પછી વન-ડે ક્રિકેટમાં સદી ફટકારી છે. આ પહેલા તેણે ફેબ્રુઆરી 2025માં બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી. અફઘાનિસ્તાન તરફથી નાંગેલિયા ખરોટેએ 4 વિકેટ ઝડપી હતી, જ્યારે રાશિદ ખાનને 3 વિકેટ મળી હતી.
ભારત: યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા, શુભમન ગિલ , ઈશાન કિશન, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, ગુરનૂર બરાર, અર્શદીપ સિંહ અને પ્રિન્સ યાદવ.
અફઘાનિસ્તાન: રહેમાનુલ્લા ગુરબાઝ, ઈબ્રાહીમ ઝદરાન, સેદીકુલ્લાહ અટલ, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી, દરવીશ રસૂલી, રાશીદ ખાન, નાંગેલિયા ખરોતી, એએમ ગઝનફર, મોહમ્મદ સલીમ સફી અને બિલાલ સામી.

