રિપોર્ટ@દિલ્હી: કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે 21 ઉમેદવારોના નામની યાદી જાહેરાત કરી

નવી દિલ્હી બેઠક પરથી AAP પ્રમુખ અરવિંદ કેજરીવાલ સામે સંદીપ દીક્ષિતને ટિકિટ આપવામાં આવી છે.
 
ચૂંટણી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દિલ્હીમાં ટૂંક સમયમાં  વિધાનસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે. કોંગ્રેસે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 21 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. નવી દિલ્હી બેઠક પરથી AAP પ્રમુખ અરવિંદ કેજરીવાલ સામે સંદીપ દીક્ષિતને ટિકિટ આપવામાં આવી છે. જો કે AAPએ હજુ સુધી કેજરીવાલના નામની જાહેરાત કરી નથી.

પ્રદેશ અધ્યક્ષ દેવેન્દ્ર યાદવને બાદલીથી, પૂર્વ મંત્રી હારૂન યુસુફને બલ્લીમારાનથી અને પૂર્વ પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ચૌધરી અનિલ કુમારને પટપડગંજથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક બાદ આ યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, અંબિકા સોની, સલમાન ખુર્શીદ, ટીએસ સિંહ દેવ અને મધુસુદન મિસ્ત્રી હાજર રહ્યા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિલ્હીમાં ફેબ્રુઆરીના પહેલા અથવા બીજા સપ્તાહમાં ચૂંટણી થઈ શકે છે. 70 સીટોવાળી દિલ્હી વિધાનસભાનો વર્તમાન કાર્યકાળ 23 ફેબ્રુઆરી, 2025ના રોજ સમાપ્ત થાય છે. 2020માં થયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 62 અને 2015માં 67 બેઠકો જીતી હતી.