રિપોર્ટ@દિલ્હીઃ LPG સિલિન્ડરનાં ભાવ અચાનક વધ્યાં, કેટલો વધારો થયો ?

ગેસ સિલિન્ડરની કિંમત ₹913 થી વધીને ₹942 થઈ જશે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ફરી એકવાર ઘરેલુ સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે.ઘરેલુ LPG સિલિન્ડર 29 રૂપિયા મોંઘો થયો છે. નવા દર આજે રાત્રે 12 વાગ્યાથી લાગુ થઈ ગયા છે. દિલ્હીમાં હવે 14.2 કિલોગ્રામવાળા ગેસ સિલિન્ડરની કિંમત ₹913 થી વધીને ₹942 થઈ જશે.

ત્રણ મહિનામાં બીજી વાર LPGની કિંમત વધારવામાં આવી છે. આ પહેલા 7 માર્ચના રોજ LPG સિલિન્ડરના ભાવ ₹60 વધારવામાં આવ્યા હતા. આ રીતે 3 મહિનાની અંદર ઘરેલુ સિલિન્ડર 89 રૂપિયા મોંઘો થયો છે.

ન્યૂઝ એજન્સી અનુસાર સૂત્રો અનુસાર, તેલ કંપનીઓનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં વધેલી ઊર્જા ખર્ચ અને ઘરેલુ વેચાણ પર નુકસાનના કારણે કિંમતો વધારવી પડી છે.

ગેસના ભાવમાં થયેલા અસહ્ય વધારાને કારણે સામાન્ય પરિવારોના ઘરનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. આ અંગે પોતાના મનની વ્યથા ઠલવતા રાજકોટના ગૃહિણી સોનલબેન સ્વામીએ જણાવ્યું હતું કે, મોંઘવારી હવે મધ્યમ વર્ગની કમર તોડી રહી છે. આ પહેલા ગેસ સિલિન્ડરનો ભાવ રૂ. 918 હતો, જે રાતોરાત વધીને હવે રૂ. 947 થઈ ગયો છે. આ આકરા ભાવ વધારા સામે અમારી માસિક આવક મર્યાદિત હોવાથી ઘરનું ગાડું માંડ-માંડ તાણીતુસીને ભેગું કરવું પડે છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, માત્ર રાંધણ ગેસ જ નહીં, પરંતુ છેલ્લા કેટલાક સમયથી LPG, લીલા શાકભાજી, દૂધ અને બાળકોની સ્કૂલ ફી સહિતની તમામ બાબતોમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે. મોંઘવારીના સમયમાં દર મહિને જાણે ગૃહિણીઓની અગ્નિપરીક્ષા લેવાતી હોય તેવું લાગી રહ્યું છે. દર વખતે નવો ભાવ વધારો આવે ત્યારે અમારે ઘર ચલાવવા માટે કયા આયોજનો કરવા અને કઈ રીતે પૈસા બચાવવા તે માટે નવા હુન્નર અજમાવવા પડે છે. એક સમય હતો જ્યારે મહિલાઓ ઘરખર્ચમાંથી થોડી-ઘણી કકસર કરીને ભવિષ્ય માટે બચત કરી શકતી હતી, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારની બચત કરવી સાવ અશક્ય બની ગઈ છે.