રીપોર્ટ@દિલ્હીઃ આજે સરકારી બેંકોમાં હડતાળ; રોકડ વ્યવહાર અને ચેક ક્લિયરન્સ જેવા કામ બંધ, જાણો વધુ વિગતે

યુનિયન કર્મચારીઓ માટે 5-દિવસીય કાર્યકારી સપ્તાહની માંગ કરી રહ્યું છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશભરમાં આજે તમામ સરકારી બેંકોના કર્મચારીઓ હડતાળ પર રહેશે. PTI અનુસાર યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સએ આજે હડતાળની જાહેરાત કરી છે. યુનિયન કર્મચારીઓ માટે 5-દિવસીય કાર્યકારી સપ્તાહની માંગ કરી રહ્યું છે. હડતાળને કારણે બેંકોમાં રોકડ વ્યવહારો અને ચેક ક્લિયરન્સ જેવા કામો થઈ શકશે નહીં.

મહિનાના ચોથા શનિવાર, રવિવાર  અને પ્રજાસત્તાક દિવસની રજા પછી, આ સતત ચોથો દિવસ હશે જ્યારે સરકારી બેંકોનું કામકાજ પ્રભાવિત થશે. જોકે, બેંકોએ તેમની શાખાઓ બંધ રાખવાની સત્તાવાર જાહેરાત કરી નથી. આ ઉપરાંત, ખાનગી બેંકોમાં કામ સામાન્ય રીતે ચાલી રહ્યું છે. ખાનગી બેંકો UFBU નો ભાગ નથી.

બેંક યુનિયનો અને સરકાર વચ્ચેના વિવાદનું મુખ્ય કારણ શનિવારની રજા છે. બેંક કર્મચારીઓ ઘણા સમયથી '5-ડે વર્ક વીક'  લાગુ કરવાની માંગ કરી રહ્યા છે. માર્ચ 2024માં ઇન્ડિયન બેંક્સ એસોસિએશન અને યુનિયનો વચ્ચેના 12મા દ્વિપક્ષીય કરાર દરમિયાન તમામ શનિવારોને રજા જાહેર કરવા પર સહમતિ બની હતી.

પરંતુ કરાર છતાં હજુ સુધી તેની સરકારી અધિસૂચના બહાર પાડવામાં આવી નથી. 5-ડે વર્કિંગ માટે યુનિયનોની દલીલ છે કે અમે એક સંતુલિત કાર્યપ્રણાલી માંગી રહ્યા છીએ. અમે તેના બદલે દરરોજ 40 મિનિટ વધારાનું કામ કરવા તૈયાર છીએ.

હાલમાં મહિનાના બીજા અને ચોથા શનિવારે જ બેંક બંધ રહે છે. યુનિયન ઈચ્છે છે કે સરકાર હવે તેની સત્તાવાર અધિસૂચના તરત જ બહાર પાડે.