રિપોર્ટ@દેશ: મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થશે
વાયનાડ સહિત 3 લોકસભા અને 13 રાજ્યોની 49 વિધાનસભા બેઠકો પર પણ પેટાચૂંટણી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જમ્મુ-કાશ્મીરની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. હવે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવા જઈ રહી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર બપોરે 3:30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. મહારાષ્ટ્રમાં એક તબક્કામાં અને ઝારખંડમાં 5 તબક્કામાં મતદાન થવાની શક્યતા છે. મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બર 2024ના રોજ પુર્ણ થાય છે, જ્યારે ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ 5 જાન્યુઆરી 2025ના રોજ સમાપ્ત થાય છે.
બંને રાજ્યોમાં ચૂંટણીની સાથે 13 રાજ્યોની 3 લોકસભા અને 49 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાઈ શકે છે. કેરળની વાયનાડ બેઠક રાહુલ ગાંધીના રાજીનામાને કારણે ખાલી થઈ છે, મહારાષ્ટ્રની નાંદેડ બેઠક કોંગ્રેસના સાંસદનું અવસાન થવાથી ખાલી થઈ છે અને પશ્ચિમ બંગાળની બસીરહાટ બેઠક તૃણમૂલના સાંસદના નિધનને કારણે ખાલી થઈ છે.
આ સિવાય 13 રાજ્યોની 49 વિધાનસભા સીટો માટે પેટાચૂંટણીની પણ જાહેરાત થઈ શકે છે. જેમાં ઉત્તર પ્રદેશના 10, રાજસ્થાનના 7, પશ્ચિમ બંગાળના 6, આસામના 5, બિહારના 4, પંજાબના 4, કર્ણાટકના 3, કેરળના 3, મધ્યપ્રદેશના 2, સિક્કિમના 2, ગુજરાતની 1, ઉત્તરાખંડની 1 અને છત્તીસગઢની 1 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે.