રિપોર્ટ@દેશ: 2 માથે ફરેલા કારચાલકો વચ્ચે ઝઘડો થતા સામસામે ગાડી ભટકારી, 5 લોકો ઘાયલ
રાહદારીઓ-વાહનચાલકોમાં ફફડાટ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. મહારાષ્ટ્રના થાણેમાં 2 માથે ફરેલા કારચાલકો વચ્ચે ઝઘડો થતા તેમણે રોડ માથે લીધો હતો. સામસામે ગાડી ભટકારી રોડ પર અફરાતફરીનો માહોલ સર્જ્યો હતો. રોડ પર ફિલ્મી દૃશ્યો સર્જાયાં હતાં. આ અફરાતફરીમાં 5 લોકો ઘાયલ થયા હતા.
મહારાષ્ટ્રના થાણેમાં મંગળવારે રોડ પર બે ડ્રાઈવરો વચ્ચે ઝઘડો થયો હતો. દલીલ બાદ એક કાર સવાર (હેરિયર) બાજુમાં પાર્ક કરેલી ફોર્ચ્યુનરનો દરવાજો તોડીને આગળ નીકળી ગયો. આ દરમિયાન એક વ્યક્તિ કારની નીચે દબાઈ ગયો હતો.
હેરિયર સવાર તે વ્યક્તિને લગભગ 10 ફૂટ સુધી ખેંચી ગયો. ત્યારબાદ હેરિયર સવારે ગાડી પાછી ફેરવી અને ફરીથી ફોર્ચ્યુનરને ટક્કર મારી. આ વખતે ટક્કર મારતી વખતે ગાડીને ઘણા મીટર સુધી પાછળ ધકેલી દીધી.
આ સમગ્ર ઘટનાનો વીડિયો નજીકની બિલ્ડિંગમાં કોઈએ રેકોર્ડ કર્યો હતો. આ ઘટનામાં લગભગ 5 લોકો ઘાયલ થયા છે. ટક્કર પછી ત્યાં ઊભેલા ટોળાએ હેરિયર વાહન પર પથ્થરમારો કર્યો અને તેના કાચ તોડી નાખ્યા. હાલ અંબરનાથ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.