રીપોર્ટ@દેશ: 3 ફ્લાઈટ-એક ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો સમગ્ર બનાવ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અવાર-નવાર કેટલીય ધમકીઓ મળતી હોય છે. સોમવારે મુંબઈથી ઉડતી ત્રણ ફ્લાઈટમાં બોમ્બની ધમકી આપવામાં આવી હતી. એર ઈન્ડિયાની પ્રથમ ફ્લાઈટ મુંબઈથી ન્યૂયોર્ક જઈ રહી છે. માહિતી મળતાની સાથે જ વિમાનને દિલ્હી તરફ વાળવામાં આવ્યું હતું. એરક્રાફ્ટ હાલમાં દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પાર્ક છે. વિમાનમાં 239 મુસાફરો સવાર છે.
બીજી ફ્લાઈટ ઈન્ડિગોની 6E-1275 છે, તે મુંબઈથી મસ્કત જવાની હતી. ત્રીજી ફ્લાઇટ ઇન્ડિગોની 6E 56 છે. તે મુંબઈથી જેદ્દાહ જઈ રહી હતી. આ બંને એરક્રાફ્ટને આઈસોલેશન બેઝમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે. હાલ તમામ મુસાફરોને પ્લેનમાંથી ઉતારી દેવામાં આવ્યા છે. અહીં મુંબઈ-હાવડા મેલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જો કે તપાસ બાદ ટ્રેનને રવાના કરવામાં આવી હતી.
છેલ્લા 5 દિવસમાં ફ્લાઈટમાં બોમ્બની ધમકીનો આ બીજો કિસ્સો છે. 9 ઓક્ટોબરે લંડનથી દિલ્હી જતી વિસ્તારા એરલાઇનની ફ્લાઈટ UK18માં બોમ્બ હોવાની જાણ થઈ હતી. ફ્લાઈટના દિલ્હી પહોંચવાના લગભગ 3.5 કલાક પહેલા એક પેસેન્જરે પ્લેનના ટોઈલેટમાં ધમકીભર્યું ટિશ્યુ પેપર જોયું. તેમણે ક્રૂ મેમ્બરને જાણ કરી. ફ્લાઈટમાં લગભગ 300 મુસાફરો અને ક્રૂ મેમ્બર સવાર હતા. સુરક્ષા તપાસના કારણે મુસાફરો લગભગ 5 કલાક સુધી એરપોર્ટ પર ફસાયેલા રહ્યા.