રિપોર્ટ@દેશ: પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝ સામે જાતીય સતામણીનો બીજો કેસ

તપાસ રિપોર્ટમાં શું આવ્યું?
 
રિપોર્ટ@દેશ: પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝ સામે જાતીય સતામણીનો બીજો કેસ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે.  પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝ વિરુદ્ધ યૌન ઉત્પીડનનો વધુ એક મામલો સામે આવ્યો છે. તેમના પર દિલ્હીની એક 5 સ્ટાર હોટલમાં ઓડિસી ક્લાસિકલ ડાન્સર દ્વારા જાતીય સતામણીનો આરોપ મૂકવામાં આવ્યો છે. ઓક્ટોબર 2023માં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

ન્યૂઝ એજન્સી અનુસાર, બંગાળ પોલીસે ગયા અઠવાડિયે રાજ્ય સરકારને તપાસ રિપોર્ટ સોંપ્યો હતો. આ મામલો 14 મેના રોજ પ્રકાશમાં આવ્યો હતો. ઓડિસી ડાન્સરે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તે વિદેશ પ્રવાસને લગતી સમસ્યાઓ અંગે મદદ લેવા રાજ્યપાલ પાસે ગઈ હતી. 

તપાસ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે CCTV ફુટેજમાં રાજ્યપાલના હોટલમાં એન્ટ્રી અને એગ્ઝિટનો સમય અને મહિલાએ પોતાની ફરિયાદમાં જે સમય બતાવ્યો છે, તે એક જ છે. જોકે, ઓડિશી ડાન્સરે એ જણાવ્યું નથી કે તેણે 10 મહિના વિતી ગયા પછી ઓક્ટોબરમાં ફરિયાદ કેમ નોંધાવી. આ સંપૂર્ણ મામલે સીવી બોઝ અથવા રાજભવન તરફથી કોઈ જવાબ આવ્યો નથી. 

તાજેતરમાં જ આનંદ બોઝ પર રાજભવનની પૂર્વ મહિલા કર્મચારીએ પણ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. તેમણે 2 મેના રોજ હેર સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં ગવર્નર વિરુદ્ધ લેખિત ફરિયાદ કરી હતી.

મહિલાનો આરોપ છે કે તે 24 માર્ચે રાજ્યપાલ પાસે કાયમી નોકરીની વિનંતી સાથે ગઈ હતી. પછી રાજ્યપાલે ગેરવર્તણૂક કરી. 2 મેના રોજ ફરી એવું જ થયું અને તે ફરિયાદ લઈને રાજભવનની બહાર તૈનાત પોલીસ અધિકારી પાસે ગઈ. જો કે, રાજ્યપાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મહિલાના આરોપોને રદિયો આપ્યો હતો. તેમણે કહ્યું- આ મને બદનામ કરવાનું ષડયંત્ર છે. મારા પર પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવ્યા છે. સત્યનો વિજય થશે.

તેમણે વધુમાં કહ્યું કે હું કૃત્રિમ કથાઓથી ડરતો નથી. જો કોઈ મને બદનામ કરીને ચૂંટણીમાં ફાયદો મેળવવા માંગતું હોય તો ભગવાન મને આશીર્વાદ આપે. હું ભ્રષ્ટાચાર અને હિંસા સામેની લડાઈને રોકી શકતો નથી. બંગાળના સીએમ મમતા બેનર્જીએ 11 મેના રોજ હાવડામાં એક સભામાં કહ્યું હતું કે રાજ્યપાલ આનંદ બોઝ વિશે હજુ સુધી બધુ જ બહાર આવ્યું નથી. હજુ બીજા વિડિયો અને પેન ડ્રાઈવ છે. મમતાએ કહ્યું- જો મને અત્યારે રાજભવન બોલાવવામાં આવશે તો હું નહીં જાઉં. જો રાજ્યપાલ મારી સાથે વાત કરવા માંગતા હોય તો તેઓ મને રસ્તા પર બોલાવી શકે છે. હું તેમને ત્યાં મળીશ. તેમની પાસે બેસવું પણ હવે પાપ છે.