રિપોર્ટ@મહારાષ્ટ્ર: વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરે અચાનક ત્રીજા માળેથી પડતું મૂક્યું, દોડધામ મચી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં આવારા-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. મહારાષ્ટ્ર એસેમ્બ્લીના ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝિરવાલે શુક્રવારે મંત્રાલયના ત્રીજા માળેથી છલાંગ લગાવી દીધી હતી. તેમની સાથે ધારાસભ્ય હીરામન ખોસકર પણ કૂદી પડ્યા હતા. જોકે નીચે જાળી હોવાથી તેમના જીવ બચી ગયા હતા. બંને આદિવાસી ધારાસભ્યો જાળમાં ફસાઈ ગયા હતા. પોલીસે સ્થળ પર પહોંચીને તેમને બહાર કાઢ્યા હતા. ઊંચાઈ પરથી પડવાને કારણે ઝિરવાલને ગરદન પર ઈજા થઈ હતી. તેમનું બ્લડપ્રેશર પણ વધી ગયું. તેમની તપાસ કરવા માટે ડોક્ટરોની એક ટીમ મંત્રાલય પહોંચી છે.
ઝિરવાલ નાયબ મુખ્યમંત્રી અજિત પવારના NCP જૂથમાંથી ધારાસભ્ય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ શિંદે સરકારના ધનગર સમુદાયને એસટીનો દરજ્જો આપવાના નિર્ણયના વિરુદ્ધ છે. તેઓ પોતાની જ સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.
ઝિરવાલ અને અન્ય આદિવાસી વિધાનસભ્યો આ બાબતે શુક્રવારે 4 ઓક્ટોબરે મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળ્યા હતા. જોકે મામલો થાળે ન પડતાં તેમણે મંત્રાલયના ત્રીજા માળેથી છલાંગ લગાવી દીધી. ઝિરવાલ અને ખોસકરે પણ આદિવાસી સમુદાયના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ઘટના બાદ મંત્રાલયમાં કામકાજ ઠપ થઈ ગયું હતું.
નરહરિ ઝિરવાલે મુખ્યમંત્રી શિંદેને મળ્યા પહેલાં ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે જો સીએમ અમારી વાત નહીં સાંભળે તો અમારી પાસે પ્લાન બી તૈયાર છે. ઝિરવાલે કહ્યું હતું કે અમે એસટી રિઝર્વેશનને અસર થવા દેવા માગતા નથી. આ પછી એક કલાકમાં તેમણે મંત્રાલયના ત્રીજા માળેથી કૂદીને પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો.