રિપોર્ટ@દેશ: ઓનલાઇન ગેમિંગના ચક્કરમાં વેપારીએ પત્ની અને પુત્રી સાથે ઝેર પીધું, 2 લોકોના મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અવાર નવાર ઘટનાઓ સામે આવતી હોય છે. MPના શહડોલમાં ઓનલાઈન ગેમિંગના ચક્કરમાં દેવાંના બોજ હેઠળ દબાયેલા એક મોબાઈલ ફોનના વેપારીએ તેની પત્ની અને પુત્રીને ઝેર આપી દીધું. પછી તેણે પોતે પણ ઝેર પી લીધું. સારવાર દરમિયાન પહેલા પુત્રી, પછી વેપારીનું મૃત્યુ થયું. તેની પત્ની મેડિકલ કોલેજના ICUમાં જીવનમરણ વચ્ચે ઝઝૂમી રહી છે.
આ મામલો શહડોલના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના જૂની વસાહતનો છે. આ વિસ્તારના રહેવાસી શંકર લાલ ગુપ્તા (40)ને ઓનલાઈન ગેમ "BDG" રમવાની લત લાગી ગઈ હતી. આ ગેમ રમીને તેણે લગભગ 4 લાખ રૂપિયા ગુમાવ્યા હતા અને લોકો પાસેથી પૈસા ઉછીના પણ લીધા હતા.
શંકર લાલ ઘણા સમયથી વધતા દેવા અને આર્થિક મુશ્કેલીઓને કારણે તણાવમાં રહેતો હતો. એક સમયે મોબાઇલ ફોનની દુકાનના માલિક, શંકરને હવે રસ્તા પર એક નાની દુકાન ખોલીને ગુજરાન ચલાવવાની મજબૂરી આવી પડી હતી.
24 ફેબ્રુઆરીની રાત્રે શંકર લાલ તેમના 15 વર્ષના પુત્ર અનિકેત સાથે બજારમાં ગયા હતા. તેમના પુત્રને મિત્રની દુકાન પર મૂકીને, શંકરે કહ્યું કે તેમને ચા પીવી છે. ત્યાર બાદ તેમણે એક ઠંડું પીણું ખરીદ્યું અને ઘરે પાછો ફર્યો. તેમણે ઠંડા પીણામાં ઝેર ભેળવ્યું. ત્યાર બાદ એે કોલ્ડ ડ્રિન્ક તેમની પત્ની રાજકુમારી અને પુત્રી સ્વાતિને આપ્યું. બાદમાં તેણે પોતે પણ એ પીધું.
રાત્રે ચીસો સાંભળીને પાડોશીઓ શંકર લાલના ઘરે દોડી આવ્યા. તેમને ત્રણેય લોકોની તબિયત ખરાબ જોવા મળી. બાદમાં એમ્બ્યુલન્સ બોલાવીને તેમને હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં 25 ફેબ્રુઆરીની સવારે સ્વાતિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું. શંકર લાલનું પણ સાંજે 6 વાગ્યાની આસપાસ મૃત્યુ થયું.
પોલીસ સ્ટેશનના એસઆઈ ઉપેન્દ્ર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે “શંકર એક વર્ષથી ઓનલાઈન ગેમ્સ રમી રહ્યો હતો. તે ટી-20 વર્લ્ડ કપ દરમિયાન સૌથી વધુ એક્ટિવ હતો. શરૂઆતની તપાસમાં એવું જણાય છે કે આર્થિક તંગી આત્મહત્યાનું કારણ હતી.”
પોલીસે કેસ નોંધ્યો છે અને પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે.

