રિપોર્ટ@દેશ: સીબીઆઈ તપાસમાં ખુલાસો: નીટનું પેપર 5 રાજ્યોમાં વેચાયું, જાણો વધુ વિગતે

સીબીઆઈને મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પેપરના પ્રિન્ટ કાઢીને વેચવાના પુરાવા મળ્યા છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સીબીઆઈ તપાસમાં ખુલાસો થયો છે. નીટનું પેપર 5 રાજ્યોમાં વેચાયું હતું. સૌથી વધુ વેચાણ મહારાષ્ટ્રમાં થયું અને બીજો નંબર રાજસ્થાનનો છે. એજન્સીના અધિકારીએ જણાવ્યું કે અત્યાર સુધી ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ અને ડિજિટલ ગેજેટ્સની તપાસ કર્યા બાદ આ માહિતી સામે આવી છે.

સીબીઆઈનું કહેવું છે કે આગળ વધુ આરોપીઓની ધરપકડ બાદ પેપર લીકનો મામલો વધુ મોટો બની શકે છે. આ જ કારણસર એજન્સી હજુ એ નક્કી કરી શકી નથી કે કેટલા વિદ્યાર્થીઓએ પેપર ખરીદ્યું હતું. તપાસમાં સામે આવ્યું છે કે કેટલાક વાલીઓએ પેપરને આગળ અન્ય લોકોને પણ વેચી દીધું હતું.

સીબીઆઈને મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પેપરના પ્રિન્ટ કાઢીને વેચવાના પુરાવા મળ્યા છે. આ જ કારણે હજુ એ શોધવું મુશ્કેલ છે કે પેપર કેટલા લોકો સુધી પહોંચ્યું. તપાસમાં અત્યાર સુધી સામે આવ્યું છે કે પેપર લીકનું સૌથી મોટું કેન્દ્ર મહારાષ્ટ્ર હતું. અહીંથી જ રાજસ્થાન અને અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ સુધી ‘ક્વેશ્ચન બેંક’ પહોંચી હતી.

CBI પૈસા આપનારાઓની યાદી બનાવી રહી છે

હવે માત્ર પેપર લીક કરનારા વચેટિયાઓ અને માસ્ટરમાઇન્ડ જ નહીં, પરંતુ મોટી રકમ આપીને પેપર ખરીદનારા પ્રભાવશાળી માતા-પિતા પણ કેન્દ્રીય તપાસ એજન્સીઓના સીધા નિશાન પર છે. તપાસ એજન્સી હવે તે તમામ વાલીઓની યાદી તૈયાર કરી રહી છે, જેમના બેંક ખાતામાંથી શિવરાજ મોટેગાંવકર, પી.વી. કુલકર્ણી અથવા તેમના સહયોગી મનીષા વાઘમારેના ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા હતા.

એજન્સીએ પેપર લીક કરનારા અને તેને વેચનારા મોટાભાગના મોટા ચહેરાઓને ખુલ્લા પાડ્યા છે, પરંતુ નેશનલ ટેસ્ટિંગ એજન્સી ઉપરાંત બહારના કેટલાક પાત્રો હજુ પણ શંકાના દાયરામાં છે. તેમના વિરુદ્ધ પુરાવા એકત્ર કરવામાં એજન્સીની બે ટીમો લાગેલી છે.

જ્યારે, ત્રણ ટીમો આનાથી આગળની કડી એટલે કે પેપર ખરીદનારા વાલીઓ અને વિદ્યાર્થીઓને પકડવાની તૈયારી કરી રહી છે. 20 મેની રાત્રે મહારાષ્ટ્રથી તેની શરૂઆત પણ થઈ ચૂકી છે અને CBI ટૂંક સમયમાં અન્ય રાજ્યોમાં દરોડા પાડશે

3 મેના રોજ લેવાયેલી પરીક્ષા 12 મેના રોજ રદ

NEET-UG પરીક્ષા 3 મેના રોજ દેશના 551 શહેરો અને વિદેશના 14 કેન્દ્રો પર યોજાઈ હતી. તેમાં લગભગ 23 લાખ ઉમેદવારો સામેલ થયા હતા. NTA અનુસાર, 7 મેની સાંજે પરીક્ષામાં ગેરરીતિની સૂચના મળી હતી. ત્યારબાદ મામલો કેન્દ્રીય એજન્સીઓને સોંપવામાં આવ્યો. 12 મેના રોજ પરીક્ષા રદ કરવામાં આવી અને રી-એક્ઝામનો નિર્ણય લેવામાં આવ્યો.