રિપોર્ટ@દેશ: કોર્ટે 98 આરોપીને આજીવન કેદની સજા ફટકારી, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં કેટલાક આરોપીઓને સજા આપવામાં આવતી હોય છે. કર્ણાટકના કોપ્પલ જિલ્લા અને સત્ર ન્યાયાધીશે એસસી/એસટી અત્યાચાર અધિનિયમ હેઠળ દલિતો અને ઉચ્ચ જ્ઞાતિના લોકો વચ્ચે થયેલા ઘર્ષણના કેસમાં ઐતિહાસિક નિર્ણય કર્યો છે. કોર્ટે 98 આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. તમામ દોષિતોને 5-5 હજાર રૂપિયાનો દંડ પણ કર્યો છે. જ્ઞાતિ આધારિત ઘર્ષણના એક જ કેસમાં એકસાથે 98 લોકોને આરોપી ઠેરવાયા હોય એવો આ દેશનો પ્રથમ કિસ્સો છે.
ઑગસ્ટ, 2014માં કોપ્પલ જિલ્લાના ગંગાવતી તાલુકાના મરુકુમ્બીમાં જ્ઞાતિ આધારિત ઘર્ષણ થયું હતું. ફરિયાદી પક્ષના કહેવા પ્રમાણે 28 ઑગસ્ટે શિવા સિનેમામાં ફિલ્મની ટિકિટ મુદ્દે ઊંચી જ્ઞાતિના અને દલિત યુવાનો વચ્ચે વિવાદ થયો હતો.
ત્યાર પછી ભારે વિરોધ પ્રદર્શન થયો હતો અને દલિત સમાજની ઝુંપડીઓને આગ ચાંપી દેવાઈ હતી. ફરિયાદ પક્ષના કહેવા પ્રમાણે 117 લોકો પર મડિગા સમાજના સભ્યો સાથે મારામારી, ગાળાગાળી કરવા અને તેમનાં ઘરને આગ લગાડવાનો આરોપ હતો. સુનાવણી દરમિયાન 16નાં મૃત્યુ થયાં હતાં. કોર્ટમાં 101 આરોપી વિરુદ્ધ આરોપ પુરવાર થયો.હતો.