રિપોર્ટ@દેશ: CRPF જવાને પોતાના સાથીદારો પર ફાયરિંગ કર્યુ, 3નાં મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. મણિપુરના કેમ્પમાંએક CRPF જવાને પોતાના સાથીદારો પર ફાયરિંગ કર્યુ અને પછી પોતાને પણ ગોળી મારી હતી. આ ઘટનામાં 3 જવાન માર્યા ગયા અને 8 ઘાયલ થયા. તે બધાને ઇમ્ફાલના રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (RIMS)માં દાખલ કરવામાં આવ્યા છે.
આ ઘટના ગુરુવારે રાત્રે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના લામફેલમાં CRPF કેમ્પમાં બની હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આરોપી હવાલદાર સંજય કુમારે પોતાની સર્વિસ રાઇફલથી ગોળીબાર કર્યો, જેમાં એક કોન્સ્ટેબલ અને એક સબ-ઇન્સ્પેક્ટરનું ઘટનાસ્થળે જ મોત થયું. આ પછી તેણે પોતાને પણ ગોળી મારી દીધી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.
આરોપી સૈનિક CRPFની 120મી બટાલિયનનો સભ્ય હતો. હાલમાં ઘટનાના કારણોની તપાસ ચાલી રહી છે. CRPF તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.