રિપોર્ટ@દેશ: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના કોંગ્રેસે તેમના અંતિમ સંસ્કારની વ્યવસ્થાને લઈને સરકાર પર નિશાન સાધ્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહનું 92 વર્ષની વયે ગુરુવારે રાતે દિલ્હીની એઈમ્સમાં નિધન થયું હતું. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સ્મારક મામલે ચાલી રહેલા વિવાદ વચ્ચે કોંગ્રેસે તેમના અંતિમ સંસ્કારની વ્યવસ્થાને લઈને સરકાર પર નિશાન સાધ્યું છે.
કોંગ્રેસના નેતા પવન ખેડાએ X પોસ્ટમાં જણાવ્યું હતું કે ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કારમાં સરકાર તરફથી અવ્યવસ્થા અને અનાદર જોઈને તેઓ હેરાન થઈ ગયા હતા. ખેડાએ 9 મુદ્દામાં અંતિમ સંસ્કાર સંબંધિત વાંધો નોંધાવ્યો હતો. તેમણે કહ્યું કે ડૉ.સિંઘના પરિવાર માટે માત્ર 3 ખુરશીઓ જ મૂકવામાં આવી હતી. બાકીના પરિવાર માટે ખુરશીઓ માંગવી પડી.
આ સિવાય તેમણે પીએમ મોદી પર એવો પણ આરોપ લગાવ્યો કે જ્યારે ડૉ.સિંહની પત્નીને રાષ્ટ્રધ્વજ સોંપવામાં આવ્યો અને ગન સેલ્યૂટ આપવામાં આવી ત્યારે પીએમ મોદી અને મંત્રીઓ ઊભા થયા નહોતા. ખેડાએ જણાવ્યું હતું કે આ અવ્યવસ્થા અને અનાદર સ્પષ્ટ કરે છે કે એક મહાન નેતા પ્રત્યે સરકારની પ્રાથમિકતાઓ અને લોકતાંત્રિક મૂલ્યોનો કેટલો અભાવ છે. ડૉ. સિંહ આદર અને ગૌરવને પાત્ર હતા. આ પહેલાં શનિવારે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરીને શીખ સમુદાયના પ્રથમ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું સંપૂર્ણ અપમાન કર્યું છે.