રિપોર્ટ@દેશ: પવિત્ર સ્થળ કૈલાસ પર્વતનાં દર્શન 1 ઑક્ટોબરથી શરૂ થશે, 22થી 55 વર્ષના લોકો જઈ શકશે

પૅકેજમાં હૅલિકોપ્ટર-જીપનું ભાડું, રોકાણ-ખાવાપીવાનો ખર્ચ સમાવિષ્ટ છે. યાત્રાનું બુકિંગ કેએમવીએનની વેબસાઇટ પરથી શુક્રવારથી શરૂ થશે. યાત્રા ચાર દિવસની રહેશે.
 
રિપોર્ટ@દેશ: પવિત્ર સ્થળ કૈલાસ પર્વતનાં દર્શન 1 ઑક્ટોબરથી શરૂ થશે, 22થી 55 વર્ષના લોકો જઈ શકશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

પવિત્ર સ્થળ કૈલાસ પર્વતનાં દર્શન 1 ઑક્ટોબરથી શરૂ થશે. ઉત્તરાખંડમાં કુમાઉ મંડલ વિકાસ નિગમ એ સત્તાવાર જાહેરાત કરી છે. શ્રદ્ધાળુઓને પિથોરાગઢ જિલ્લામાં આવેલા ઓલ્ડ લિપુલેખ પાસ પર બનાવાયેલા વ્યૂ પૉઇન્ટથી કૈલાસ પર્વતનાં દર્શન કરાવાશે. અત્યાર સુધી નેપાળ, સિક્કિમ અને ઉત્તરાખંડના રસ્તેથી કૈલાસયાત્રા યોજાતી હતી પરંતુ કોરોનાકાળથી ચીને રસ્તો બંધ કરી દીધો હોવાથી યાત્રા બંધ હતી.

કેએમવીએનના ટીડીઓ લલિત તિવારીએ કહ્યું કે યાત્રામાં 22થી 55 વર્ષની વયના શ્રદ્ધાળુ જ જઈ શકશે. આ માટે વ્યક્તિદીઠ રૂ. 80 હજાર ભાડું નક્કી કરાયું છે. પહેલાં 75 હજાર રૂપિયા પ્રસ્તાવિત હતું પરંતુ ખર્ચ વધતાં ભાડું વધારાયું છે. પૅકેજમાં હૅલિકોપ્ટર-જીપનું ભાડું, રોકાણ-ખાવાપીવાનો ખર્ચ સમાવિષ્ટ છે. યાત્રાનું બુકિંગ કેએમવીએનની વેબસાઇટ પરથી શુક્રવારથી શરૂ થશે. યાત્રા ચાર દિવસની રહેશે.

પહેલા દિવસે 15 યાત્રીને સેનાના હૅલિકોપ્ટરમાં પિથોરાગઢથી 70 કિમી દૂર ગુંજી ગામ લઈ જવાશે. અહીં રાત્રીરોકાણ થશે. ગુંજી ગામથી 30 કિમી દૂર આદિ કૈલાસ પર્વત લઈ જવાશે. અહીંથી પાછા ગુંજી ગામ આવીને રાત્રીરોકાણ કરાશે. ત્રીજા દિવસે ખાનગી વાહનોમાં પહેલાં ઓમ પર્વતનાં દર્શન કરાવાશે. ત્યાંથી આગળ સેના પોતાનાં વાહનોમાં કૈલાસ વ્યૂ પૉઇન્ટ લઈ જશે, જ્યાંથી સામે કૈલાસ પર્વત જોઈ શકાશે. ચોથા દિવસે ગુંજીથી પિથોરાગઢ પાછા આવવાનું રહેશે. યાત્રા પહેલાં દરેક શ્રદ્ધાળુની તબીબી તપાસ થશે.