રિપોર્ટ@દેશ: ઈન્કમટેક્સ વિભાગે કોંગ્રેસને રૂ.1700 કરોડની નોટિસ ફટકારી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ચૂંટણીના થોડાજ દિવસો બાકી રહ્યા છે. બધી પાર્ટીઓ કેટલાક ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસને મળેલી આવકવેરા વિભાગની નોટિસ પર રાહુલ ગાંધીએ શુક્રવારે કહ્યું હતું કે જ્યારે સરકાર બદલાશે ત્યારે 'લોકતંત્રનું ચીરહરણ કરનારાઓ વિરુદ્ધ ચોક્કસપણે કાર્યવાહી કરાશે. કાર્યવાહી એવી હશે કે ફરી આ બધું કરવાની કોઈની હિંમત નહીં થાય. આ મારી ગેરંટી છે.
તેમણે સોશિયલ મીડિયા પર હેશટેગ #BJPTaxTerrorism લખતા આ વાત કહી. હકીકતમાં, આવકવેરા વિભાગે સવારે કોંગ્રેસને 1700 કરોડ રૂપિયાની નવી ડિમાન્ડ નોટિસ જારી કરી હતી. ન્યૂઝ એજન્સી અનુસાર, આ ડિમાન્ડ નોટિસ 2017-18થી 2020-21 માટે છે. જેમાં વ્યાજની સાથે દંડનો પણ સમાવેશ થાય છે. નવી નોટિસને લોકસભાની ચૂંટણી પહેલા પૈસાની તંગી સામે ઝઝૂમી રહેલી કોંગ્રેસ માટે એક ઝટકો માનવામાં આવી રહી છે. એક દિવસ પહેલા એટલે કે 28 માર્ચે દિલ્હી હાઈકોર્ટે ટેક્સ એસેસમેન્ટને લઈને કોંગ્રેસની અરજી ફગાવી દીધી હતી.
- નોટિસ મળ્યા બાદ કોંગ્રેસે શુક્રવારે બપોરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અજય માકને દાવો કર્યો, 'ગઈકાલે અમને આવકવેરા વિભાગ તરફથી 1823 કરોડ રૂપિયા ચૂકવવાની નોટિસ મળી હતી. આ પાંચ વર્ષના ટેક્સની નોટિસ છે. તે વધુ ત્રણ વર્ષ માટે બનાવી રહ્યા છે. આ નોટિસમાં સીતારામ કેસરીના સમયની 35 કરોડ રૂપિયાની માંગણી પણ સામેલ છે. તેમણે કહ્યું કે કોંગ્રેસને જે માપદંડોના આધારે પેનલ્ટીની નોટિસ આપવામાં આવી છે તેના આધારે ભાજપ પાસેથી 4600 કરોડ રૂપિયા વસૂલવા જોઈએ.
- 2017-18માં અમારા 14 લાખ રૂપિયાના ઉલ્લંઘન પર ભાજપના આવકવેરા વિભાગે 135 કરોડ રૂપિયા કોંગ્રેસના બેંક ખાતામાંથી પડાવી લીધા. એકલા 2017-18માં જ 1,297 લોકોએ ભાજપને લગભગ 42 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું.
- ભાજપે માત્ર આ લોકોના નામ લખીને છોડી દીધા. આમાં નામ અને સરનામા બંનેની માહિતી આપવાની હોય છે. આવકવેરા વિભાગે આ ઉલ્લંઘન તરફ આંખ આડા કાન કર્યા છે. પરંતુ અમારા 23 સાંસદો અને ધારાસભ્યોએ જે 14 લાખ રૂપિયા રોકડા આપ્યા તેને આધારે અમારા 135 કરોડ રૂપિયા છીનવી લેવાયા. જ્યારે અમે તેમાં નામથી લઈને સરનામું બધું જ જણાવ્યું હતું.
અજયે કહ્યું, '1 હજાર 297 લોકોમાંથી 92 લોકોના નામ પણ નથી. આ 2017-18નો આંકડો છે. આ પછી અમે છેલ્લા બે વર્ષનું વિશ્લેષણ કર્યું. છેલ્લા બે વર્ષમાં 253 દાતાઓના કોઈ નામ નથી. 2.5 કરોડની રકમ એવા લોકો પાસેથી લેવામાં આવી છે જેમના નામ પણ ખબર નથી. છેલ્લા બે વર્ષમાં 126 લોકો પાસેથી 1.05 કરોડ રૂપિયા લેવામાં આવ્યા છે જેમના નામ નથી. ચૂંટણી પંચ અને આઈટી વિભાગ ભાજપની આ ખામીઓ સામે આંખ આડા કાન કરી રહ્યું છે અને માત્ર કોંગ્રેસ જ દેખાઈ રહી છે.
અમે ભાજપના તમામ ઉલ્લંઘનોનું એ જ માપદંડો સાથે વિશ્લેષણ કર્યું જે તેમણે અમારા માટે કર્યા હતા. તેના પર કેટલો ઈન્કમટેક્સ વસૂલવો જોઈએ? અને કેટલું વ્યાજ લેવું જોઈએ? અમે છેલ્લા 7 વર્ષથી જેની ગણતરી કરી છે. જે મુજબ ભાજપ પર 4600 કરોડ રૂપિયાની પેનલ્ટી લાગવી જોઈએ.
માકને કહ્યું કે જ્યારે કોંગ્રેસના અધ્યક્ષ સીતારામ કેસરી હતા. એટલે કે 1993-94 માટે અમને નોટિસ મોકલવામાં આવી રહી છે. 53.9 કરોડની માંગણી કરવામાં આવી છે. આ રીતે છેલ્લા 5 વર્ષ અને 3
વર્ષ માટે વધુ રકમની માંગ કરાઈ રહી છે. એકંદરે ઈન્કમટેક્સ વિભાગે કોંગ્રેસ પાસેથી 1823 કરોડ રૂપિયાની માંગણી કરી છે.જો નિયમો દરેક માટે છે જો તે સમાન હોય તો ભાજપ પાસેથી 4600 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવે.
કોંગ્રેસે ચાર વર્ષ (2017-18, 2018-19, 2019-20 અને 2020-21) માટે ઈન્કમટેક્સ રિએસેસમેન્ટની કાર્યવાહી શરૂ કરવા સામે અરજી કરી હતી. જસ્ટિસ યશવંત વર્મા અને જસ્ટિસ પુરુષેન્દ્ર કૌરવની દિલ્હી હાઈકોર્ટની બેન્ચે 28 માર્ચે અરજીને ફગાવી દેતાં કહ્યું હતું કે કોંગ્રેસના ખાતામાં ઘણા બિનહિસાબી વ્યવહારો થયા છે. ઈન્કમટેક્સ અધિકારીઓ પાસે ટેક્સ એસેસમેન્ટ પર કાર્યવાહી કરવા માટે નક્કર પુરાવા હતા, તેથી કાર્યવાહી કરવામાં આવી છે.
કોંગ્રેસે ચાર વર્ષ (2017-18, 2018-19, 2019-20 અને 2020-21) માટે ઈન્કમટેક્સ રિએસેસમેન્ટની કાર્યવાહી શરૂ કરવા સામે અરજી દાખલ કરી હતી.
25મી માર્ચે પણ કોર્ટે કોંગ્રેસની ત્રણ અરજીઓ ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે કોંગ્રેસે એસેસમેન્ટ પૂર્ણ થવાનો સમય પૂરો થવાના થોડા દિવસો પહેલાં અને કાર્યવાહીના છેલ્લા તબક્કામાં કોર્ટમાં અપીલ કરવાનું પસંદ કર્યું હતું.
8મી માર્ચે ઈન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT)ના આદેશને યથાવત્ રાખવામાં આવ્યો હતો. ટ્રિબ્યુનલે 2018-19 માટે રૂ. 100 કરોડથી વધુના બાકી વેરાની વસૂલાત માટે કોંગ્રેસને જારી કરાયેલી ડિમાન્ડ નોટિસ પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો હતો.