રિપોર્ટ@દેશ: ભારતના સૌથી અમીર વ્યક્તિ અને બિઝનેસમેન મુકેશ અંબાણીને 4 દિવસમાં ત્રીજી વખત જાનથી મારી નાખવાની ધમકી મળી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભારતના સૌથી અમીર વ્યક્તિ અને બિઝનેસમેન મુકેશ અંબાણીને 4 દિવસમાં ત્રીજી વખત જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ વખતે ધમકી આપનાર વ્યક્તિએ 400 કરોડ રૂપિયાની માગણી કરી છે. આ પહેલા પણ શનિવારે ધમકી આપનારા વ્યક્તિએ 20 કરોડ રૂપિયા માગ્યા હતા અને બીજા દિવસે 200 કરોડ રૂપિયાની ફરી માગણી કરી હતી. ત્યારે આ વખતે મેઈલ પર ધમકી આપનારા વ્યક્તિએ 400 કરોડ રૂપિયાની માગણી સાથે લખ્યું છે કે જો પોલીસ મને ના શોધી શકે તો તે મારી ધરપકડ કરી શકતી નથી. આ ઈમેઈલ બે દિવસ પહેલા આવેલા મેઈલવાળા એડ્રેસ પરથી જ આવ્યો હતો.
ત્યારે હવે આ મામલે મુંબઈ પોલીસ સર્તક બની છે અને તપાસ શરૂ કરી છે. પોલીસ જુના બે ઈમેઈલનું ઈન્ટરનેટ પ્રોટોકોલ શોધવામાં લાગી છે. પોલીસે ઈન્ટરપોલ દ્વારા બેલ્જિયમની એક VPN કંપની પાસેથી આ ઈમેઈલની વિગતો શોધવામાં મદદ માગી છે. આ મેઈલ shadabkhan@mailfence.com દ્વારા કરવામાં આવ્યો છે. નિષ્ણાંતો મુજબ આ આઈપી એડ્રેસ બેલ્જિયમનું છે. જો ધમકી આપનારો વ્યક્તિ અન્ય કોઈ દેશમાં બેઠો હોય અને પોલીસને ગેરમાર્ગે ચઢાવતો હોય તેવી શંકા પણ પોલીસને છે.
ત્રીજી વખત ઈમેઈલ કરી ધમકી આપનાર વ્યક્તિએ લખ્યું છે કે હવે અમે પૈસાની માગણી વધારીને 400 કરોડ રૂપિયા કરી દીધી છે. જો પોલીસ મને ના શોધી શકે તો તે મારી ધરપકડ કરી શકતી નથી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સિક્યોરિટી ઈનચાર્જે શુક્રવારે જ ધમકીભર્યો મેઈલ મળ્યા બાદ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી. તમને જણાવી દઈએ કે ક્રાઈમબ્રાંચ અને મહારાષ્ટ્રનું સાયબર ક્રાઈમ સેલ સાથે મળીને આ કેસની તપાસ કરી રહ્યું છે.
આ પહેલા પણ અંબાણી પરિવારને જાનથી મારી નાખવાની ઘણી ધમકીઓ મળી ચૂકી છે. જો કે તે વખતે પોલીસે બીજા જ દિવસે ધમકી આપનારા વ્યક્તિની બિહારથી ધરપકડ કરી લીધી હતી અને તેની ઓળખ રાકેશ કુમાર શર્મા તરીકે થઈ હતી.