રીપોર્ટ@દેશ: સાબરમતીનું પાણી પીવે છે અને એ અત્યંત જોખમી છે.લોકોના જીવ જોખમમાં મૂકી શકીએ નહીં

 સમગ્ર મામલે હાઇકોર્ટે નદીને પ્રદૂષણથી બચાવવા
 
રીપોર્ટ@દેશ: સાબરમતીનું પાણી પીવે છે અને એ અત્યંત જોખમી છે.લોકોના જીવ જોખમમાં મૂકી શકીએ નહીં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

સાબરમતી નદીના પ્રદૂષણ મુદ્દે થયેલી સુઓમોટોની સુનાવણીમાં ૨૦૦ લઘુ અને મધ્યમ કદના ઔદ્યોગિક એકમો તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે તેમના એકમો બંધ છે અને તેના કારણે બે લાખ મજૂરો ભારે અસરગ્રસ્ત થઇ રહ્યા છે. ત્યારે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ વૈભવી નાણાવટીની ખંડપીઠે એવી ટકોર કરી હતી કે,'અમને વર્કરો પ્રત્યે સહાનુભૂતિ છે, પરંતુ અમે કોઇનો પક્ષ લઇ શકીએ નહીં.

જો અમે વર્કરોના કલ્યાણનું વિચારીએ તો બીજી તરફ સામાન્ય નાગરિકોના જીવનનું પણ વિચારવું પડે. અનેક લોકો એવા છે કે જેઓ સીધું સાબરમતીનું પાણી પીવે છે અને એ અત્યંત જોખમી છે. અમે લોકોના જીવ જોખમમાં મૂકી શકીએ નહીં. તમે નીતિ નિયમોનો અમલ કરશો તો અમે પણ તમારા માટે વિચારીશું.' આ કેસમાં વિવિધ ઓથોરિટી તરફથી રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો અને એ રિપોર્ટનો અભ્યાસ કરવા માટે કોર્ટ મિત્ર દ્વારા સમય માંગવામાં આવતાં કેસની સુનાવણી ૧૩મી ઓક્ટોબરના રોજ રાખવામાં આવી છે.

કેસની સુનાવણી દરમિયાન એકમો તરફથી થયેલી રજૂઆત બાદ હાઇકોર્ટની ખંડપીઠે ટકોર કરી હતી કે,'આ બધું કંઇ એકાએક થયું નથી. તબક્કાવાર રીતે ખબર પડી કે નદીને ભારે નુકસાન થઇ રહ્યું છે. જે એકમો હાલ બંધ છે તેઓ અમારી જોડે એવુ ઇચ્છે છે કે અમે તેમને ચાલુ કરવાની મંજૂરી આપીએ. પરંતુ એ મંજૂરી ત્યારે જ આપી શકાય કે જ્યારે તેઓ નીતિ નિયમો મુજબ જ કાર્યવાહી કરે.'

આ સમગ્ર મામલે હાઇકોર્ટે નદીને પ્રદૂષણથી બચાવવા માટે 'ઝીરો વેસ્ટ ડિસ્ચાર્જ' પ્લાન બનાવવાનો આદેશ કર્યો હતો. ખંડપીઠે એવી ગંભીર નોંધ પણ લીધી છે કે સાબરમતીને પ્રદૂષણથી બચાવવા માટે હાઇકોર્ટે અગાઉ કરેલા આદેશોનો ઓથોરિટીઓએ અમલ કર્યો નથી.

હાઇકોર્ટની ખંડપીઠે અમદાવાદ મ્યુ.કોર્પો., ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને અમદાવાદ મેગા ક્લિન એસોસિએશનને આદેશ કર્યો હતો કે તેઓ સોગંદનામું કરે અને સાબરમતીને પ્રદૂષણ મુક્ત કરવા માટે ઝીરો વેસ્ટ ડિસ્ચાર્જની પોલિસીની અમલવારી અંગેના તેમના વિઝન, પ્લાનિંગ અને નક્કર પગલાં અંગેની માહિતી આપે. જે મુજબનો રિપોર્ટ ઓથોરિટી દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.