રિપોર્ટ@દેશ: નેતા અને અધિકારીના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ, સરકારે 11 નિયમો જાહેર કર્યા જાણો સમગ્ર મામલો

અધિકારીઓને ખર્ચ ઘટાડવા અને ટેક્નોલોજી આધારિત કાર્યપદ્ધતિ અપનાવવા સૂચનાઓ આપવામાં આવી છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્ય સરકાર દ્વારા ઇંધણ બચક અને સરકારી ખર્ચમાં નિયંત્રણ લાવવા માટે મહત્તવપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. ગત સપ્તાહે યોજાયેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરી 11 નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. પરિપત્રમાં તમામ વિભાગો, કચેરીઓ અને સરકારી અધિકારીઓને ખર્ચ ઘટાડવા અને ટેક્નોલોજી આધારિત કાર્યપદ્ધતિ અપનાવવા સૂચનાઓ આપવામાં આવી છે.

રાજ્ય સરકારે 11 નિયમો જાહેર કર્યા

પ્રવાસનું આયોજન અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ

સરકારી કામકાજ માટે જરૂરિયાત પ્રમાણે જ પ્રવાસનું આયોજન કરવું. ક્ષેત્રીય અધિકારીઓ/કર્મચારીઓને મિટિંગ માટે રૂબરૂ બોલાવવાના બદલે ટેલિફોન, મોબાઈલ, ઈ-મેઈલ અને વીડિયો કોન્ફરન્સિંગ કે ઓનલાઈન માધ્યમોનો મહત્તમ ઉપયોગ કરવો.

વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ

અનિવાર્ય સંજોગો સિવાય કોઈપણ પ્રકારના વિદેશ પ્રવાસનું આયોજન કરવું નહીં અને વિદેશમાં યોજાતી તાલીમ, પરિસંવાદો, અભ્યાસ પ્રવાસો કે પરિષદોમાં ભાગ લેવાનું ટાળવું.

અન્ય રાજ્ય/કેન્દ્રની બેઠકો

અન્ય રાજ્યમાં કે કેન્દ્રમાં યોજાતી બેઠકો માટે બને ત્યાં સુધી ઓનલાઈન માધ્યમથી જોડાઉં અને પ્રત્યક્ષ પ્રવાસ ટાળવો. જો પ્રવાસ અનિવાર્ય બને, તો ઉચ્ચ અધિકારીઓએ અત્યંત જરૂરી હોય તે સિવાય હાથ નીચેના સ્ટાફને સાથે ન રાખવો.

જિલ્લા બહારની મુસાફરી

અધિકારી/કર્મચારીએ શક્ય હોય ત્યાં સુધી જિલ્લા બહારની મુસાફરી ટાળવી. જો મુસાફરી જરૂરી હોય, તો પ્રવાસ કરતા પહેલાં પોતાના નિયંત્રણ અધિકારીની મંજૂરી મેળવવી અનિવાર્ય રહેશે.

વધારાના સરકારી વાહનો જમા કરાવવા

ઉપલબ્ધ સરકારી વાહનોની સમીક્ષા કરીને વધારાના વાહનો બિનવપરાશમાં મૂકવા. જો કોઈ અધિકારી એકથી વધુ જગ્યાનો (વધારાનો હવાલો) સંભાળતા હોય, તો તેમને મળવાપાત્ર એક મુખ્ય વાહન સિવાયના અન્ય તમામ સરકારી વાહનો તાત્કાલિક 'સરકારી વાહન પુલ' (Vehicle Pool)માં જમા કરાવવાના રહેશે.

ઈલેક્ટ્રિક/હાઈબ્રિડ વાહનોને અગ્રતા

જે અધિકારીઓ પાસે સરકારી વાહનોના વિકલ્પ તરીકે પેટ્રોલ, ડીઝલ અને ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) ઉપલબ્ધ હોય, તેઓએ ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) અથવા હાઈબ્રિડ મોડલનો જ ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો.

જાહેર પરિવહનનો ઉપયોગ

પર્યાવરણની જાળવણી અને ઈંધણની બચત માટે અધિકારીઓ/કર્મચારીઓએ ખાનગી વાહનોનો ઉપયોગ ટાળીને મેટ્રો, એસ.ટી. બસ અને રેલવે જેવી જાહેર પરિવહન સેવાઓનો મહત્તમ ઉપયોગ કરવો.

કેન્ટીનમાં PNG કનેક્ટિવિટી

તમામ સરકારી કેન્ટીનમાં આગામી 6 મહિનામાં પાઇપ્ડ નેચરલ ગેસ કનેક્ટિવિટી ફરજિયાત મેળવવાની રહેશે.

સ્વદેશી અને સ્થાનિક ઉત્પાદનોને પ્રાધાન્ય

તમામ સરકારી સંસ્થાઓમાં સ્વદેશી ચીજવસ્તુઓ, સ્થાનિક ઉત્પાદન, MSMEs અને ભારતીય મૂળની સેવાઓને અગ્રતા આપવા માટે ખરીદ નીતિઓ મજબૂત બનાવવી.

જનજાગૃતિ અભિયાન

વૈશ્વિક પરિસ્થિતિઓના કારણે ગભરાટમાં આવીને કરવામાં આવતી ખરીદી અને બિનજરૂરી સંગ્રહખોરી અટકાવવા માટે જનજાગૃતિ અભિયાન ચલાવવું.

સાદગીપૂર્ણ અને વર્ચ્યુઅલ કાર્યક્રમો

વિવિધ વિભાગો દ્વારા યોજાતા કાર્યક્રમો સાદગીપૂર્ણ રીતે આયોજિત કરવા તેમજ લોકાર્પણના કાર્યક્રમો પ્રત્યક્ષ કરવાને બદલે વર્ચ્યુઅલ પદ્ધતિથી કરવાનો આગ્રહ રાખવો.