રિપોર્ટ@દેશ: UPI પેમેન્ટ પર લાગતા MDR ચાર્જને દિવાળી સુધી મુલતવી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
UPI પેમેન્ટ પર લાગતા MDR ચાર્જને દિવાળી સુધી મુલતવી રાખવામાં આવ્યો છે. આ પહેલાં 15 ઓક્ટોબરથી લાગુ કરવાનો હતો. જેમાં દુકાનદારને કરાયેલા ₹2,000થી વધુના UPI પેમેન્ટ પર 0.4% ચાર્જ લાગવાનો હતો. સામાન્ય લોકો વચ્ચે ટ્રાન્ઝેક્શન ફ્રી હતું.
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા (NPCI)એ તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને તેને મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. NPCIએ જણાવ્યું છે કે તેને દિવાળી પછી તરત જ લાગુ કરવામાં આવશે, પરંતુ અત્યારે કોઈ ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી.
સરકારના MDR પ્રોપોઝલની 3 મોટી વાતો…
2000થી વધુ રકમ પર દુકાનદારને મળતા પેમેન્ટ પર 0.4% ચાર્જ લાગશે.
75 હજાર કે તેથી વધુના દરેક ટ્રાન્ઝેક્શન પર 300 રૂપિયા ફી
રેલવે, ટેલિકોમ, ઇન્શ્યોરન્સ અને ઇંધણ પર 2000થી વધુના યુપીઆઈ પેમેન્ટ પર 5 રૂપિયા ફ્લેટ ચાર્જ.
જોકે સરકારે સ્પષ્ટ કર્યું છે કે એક વ્યક્તિથી બીજી વ્યક્તિને નાણાં મોકલવા સંપૂર્ણપણે ફ્રી રહેશે. આ ચાર્જ દુકાનદારે ચૂકવવો પડશે.
મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ શું હોય છે?
મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે MDR, તે એવી ફી હોય છે જે કોઈ વેપારી અથવા દુકાનદાર ડેબિટ/ક્રેડિટ કાર્ડ અથવા ડિજિટલ પેમેન્ટ (UPI)ની સુવિધા એટલે કે પોઇન્ટ ઑફ સેલ મશીન અથવા પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરવાના બદલામાં બેંક અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સને ચૂકવે છે.
આ ફી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સફર નેટવર્કને યોગ્ય રીતે ચલાવવાના ખર્ચને પૂરો કરવા માટે લેવામાં આવે છે. આ ચાર્જ વેપારીએ ચૂકવવાનો હોય છે, ગ્રાહકે નહીં.
UPI MDR ચાર્જના નવા નિયમો અને વેપારીઓ પર અસર
મોટા વેપારીઓ પર 0.4% ચાર્જ: મહિનામાં ₹1 લાખથી વધુ કમાણી કરનાર વેપારીઓએ ₹2,000થી વધુનું દરેક પેમેન્ટ સ્વીકારવા પર 0.4% MDR+GST ચૂકવવો પડશે. GST, MDR ચાર્જનો 18% લાગશે.
નાના વેપારીઓને રાહત: જે વેપારીઓની મહિનામાં UPIથી કુલ કમાણી ₹1 લાખ સુધીની છે, તેમના પર કોઈ ચાર્જ લાગશે નહીં, ભલે ટ્રાન્ઝેક્શન ₹2,000થી વધુ કેમ ન હોય.
કેટેગરી બદલવાનો નિયમ: જો કોઈ નાનો દુકાનદાર સતત 3 મહિના સુધી ₹1 લાખથી વધુ UPI કલેક્શન મેળવે છે, તો બેંક તેને ઓટોમેટિક 'મોટા મર્ચન્ટ' (પર્સન-ટુ-મર્ચન્ટ)ની કેટેગરીમાં શિફ્ટ કરી દેશે. ત્યારબાદ તેણે પણ ચાર્જ ચૂકવવો પડશે.
₹2,000 સુધીનું વેચાણ ફ્રી: મોટા વેપારીઓએ પણ ₹2,000 કે તેથી ઓછા નાના પેમેન્ટ્સ પર કોઈ ફી ચૂકવવી પડશે નહીં.
મેક્સિમમ ચાર્જની લિમિટ: ₹75,000 કે તેથી મોટા ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ પાસેથી વધુમાં વધુ ₹300+GST જ ચાર્જ લેવામાં આવશે.
લિમિટ દરેક ટ્રાન્ઝેક્શન પર લાગુ: ₹2,000ની લિમિટ આખા દિવસના કુલ વેચાણ પર નહીં, પરંતુ દરેક એક પેમેન્ટ પર જોવામાં આવશે.
ખાસ સેક્ટર્સ માટે માત્ર ₹5ની ફ્લેટ ફી: પેટ્રોલ પંપ, રેલવે, બિલ પેમેન્ટ, ટેલિકોમ, ઇન્શ્યોરન્સ અને એજ્યુકેશન સાથે જોડાયેલા વેપારીઓએ ₹2,000થી વધુના પેમેન્ટ પર 0.40%ને બદલે ફ્લેટ ₹5 ચૂકવવા પડશે.
કાર્ડની સરખામણીમાં હજુ પણ સસ્તું: ક્રેડિટ કાર્ડ (1.5%-2.5%) અને ડેબિટ કાર્ડ (0.90% સુધી)ની સરખામણીમાં UPI પર MDR ચાર્જ ઘણો ઓછો છે.
સરકારે અત્યાર સુધી UPI પર 4 વર્ષમાં ₹8,276 કરોડનો ખર્ચ ઉઠાવ્યો છે
સરકારે UPIને પ્રમોટ કરવા અને ફ્રી રાખવા માટે 2021-22થી પ્રોત્સાહન યોજના શરૂ કરી હતી. જેના હેઠળ ગ્રાહકથી નાના દુકાનદારને થતા ₹2,000 સુધીના UPI પેમેન્ટ પર 0.15% ઇન્સેન્ટિવ આપવામાં આવતું હતું. 2024-25 સુધી આના પર ₹8,276 કરોડનું ઇન્સેન્ટિવ આપવામાં આવ્યું છે. દેશમાં જૂન 2026 સુધી લગભગ 55.5 કરોડ UPI યુઝર્સ હતા.

