રિપોર્ટ@દેશ: નેવી કર્મચારીએ તેની પ્રેમિકાની હત્યા કરી, આરોપીએ મૃતદેહના 3 ટુકડા કર્યા, જાણો સમગ્ર ઘટના વિશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ફરી એકવાર હૃદય કંપાવી ઊઠે એવી મર્ડરની ઘટના સામે આવી છે. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક પરિણીત નેવી કર્મચારીએ તેની પ્રેમિકાની હત્યા કરી દીધી. આરોપીએ મૃતદેહના 3 ટુકડા કર્યા. એક ટુકડો ફ્રિજમાં છુપાવ્યો, બીજો કોથળામાં ભરીને પલંગ નીચે રાખ્યો અને ત્રીજો એટલે કે માથું નિર્જન વિસ્તારમાં લઈ જઈને સળગાવી દીધું. ઘટના સમયે નેવી કર્મચારીની પત્ની પિયર ગઈ હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ચિંતાદા રવિન્દ્ર (35) નેવી કર્મચારી છે. તે INS ડેગામાં તહેનાત છે. રવિન્દ્રએ રવિવારે બપોરે તેની 29 વર્ષીય પ્રેમિકા મોનિકાને ઘરે બોલાવી હતી. સાંજે બંને વચ્ચે ઝઘડો થયો, ત્યારબાદ તેણે હત્યા કરી દીધી.
હત્યા બાદ આરોપીએ પોતે પોલીસ સ્ટેશન પહોંચીને ગુનો કબૂલી લીધો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે રવિન્દ્રએ મોનિકાની છરી મારીને હત્યા કરી હતી.
વિશાખાપટ્ટનમમાં બનેલી એક ભયાનક ઘટનાએ ફરી એકવાર શ્રદ્ધા વોકર હત્યા કેસની યાદ અપાવી છે. એક યુવકે ઝઘડો બાદ પ્રેમિકાની ક્રૂરતાથી હત્યા કરી હતી. આરોપી પતિની ધરપકડ કરવામાં આવી છે. મૂળ આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લાના રાજમનો રહેવાસી રવિન્દ્ર હાલમાં વિશાખાપટ્ટનમના ગાજુવાકામાં રહેતો હતો. મૃતક મહિલા સાથે તેના ગેરકાયદેસર સંબંધો હતા.

