રિપોર્ટ@દેશ: ચૂંટણી પંચના નિર્ણય બાદ પશ્ચિમ બંગાળમાં આજે 15 બૂથો પર ફરીથી મતદાન શરૂ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ચૂંટણી પંચના નિર્ણય બાદ પશ્ચિમ બંગાળમાં આજે 15 બૂથો પર ફરીથી મતદાન થઈ રહ્યું છે. 29 એપ્રિલના રોજ બીજા તબક્કાના મતદાન દરમિયાન ડાયમંડ હાર્બરના 4 અને મગરહાટ પશ્ચિમના 11 બૂથો પર હિંસા, EVM સાથે છેડછાડ અને ઘર્ષણ થયું હતું.
ચૂંટણી પંચે આ બૂથો પર થયેલા મતદાનને અમાન્ય જાહેર કરીને શુક્રવારે ફરીથી મતદાનની જાહેરાત કરી હતી. મતદાન સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ચાલશે. બાકીના બંને તબક્કાના મતદાન અને આજની રી-પોલિંગ (પુનર્મતદાન) પછી મતોની ગણતરી 4 મેના રોજ કરવામાં આવશે.
આ તરફ, BJPએ ચૂંટણી પંચના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે બંને બેઠકોના કેટલાક અન્ય બૂથો પર પણ મતદાન થવું જોઈતું હતું. જોકે, TMCએ ફરીથી મતદાન માટે BJPને જ જવાબદાર ઠેરવી છે અને આરોપ લગાવ્યો છે કે BJP બંગાળને બદનામ કરવા માંગે છે.
આ અગાઉ ગુરુવાર-શુક્રવારે TMCએ EVM સ્ટ્રોંગ રૂમનો વીડિયો બતાવીને BJP પર છેડછાડનો આરોપ લગાવ્યો હતો. મોડી રાત સુધી બંને પક્ષોના કાર્યકરો અને નેતાઓ હોબાળો અને પ્રદર્શન કરતા રહ્યા હતા. મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારીએ થોડા કલાકો સ્ટ્રોંગ રૂમમાં પણ વિતાવ્યા હતા.

