રિપોર્ટ@દેશ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ હેલિકોપ્ટર પ્રચંડમાં કો-પાઇલટ તરીકે ઉડાન ભરનારાં દેશનાં પ્રથમ રાષ્ટ્રપતિ બન્યાં
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જેસલમેર એરફોર્સ સ્ટેશનથી સ્વદેશી લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર 'પ્રચંડ'માં ઉડાન ભરી. તેઓ હેલિકોપ્ટર પ્રચંડમાં કો-પાઇલટ તરીકે ઉડાન ભરનારાં દેશનાં પ્રથમ રાષ્ટ્રપતિ બન્યાં છે. રાષ્ટ્રપતિ મુર્મુ આ પહેલાં ફાઈટર પ્લેન સુખોઈ અને રાફેલમાં ઉડાન ભરનારાં દેશનાં પ્રથમ રાષ્ટ્રપતિ બન્યાં હતાં.
રાષ્ટ્રપતિ મુર્મુ સવારે લગભગ 9:15 વાગ્યે જેસલમેર વાયુસેના સ્ટેશન પહોંચ્યાં હતાં. સેનાના અધિકારીઓએ તેમને હેલિકોપ્ટર પ્રચંડ વિશે બ્રીફિંગ આપ્યું. આ પછી રાષ્ટ્રપતિ હેલિકોપ્ટરના કોકપિટમાં બેઠાં. પછી સવારે લગભગ 10:15 વાગ્યે ગ્રુપ કેપ્ટન એન.એસ.બહુઆ સાથે હેલિકોપ્ટરમાં ઉડાન ભરી. હેલિકોપ્ટરમાં ઉડાન દરમિયાન રાષ્ટ્રપતિ સરહદી વિસ્તારો અને પોકરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જનો હવાઈ નિરીક્ષણ કર્યું હતું.
વાયુસેનાનો સૌથી મોટો યુદ્ધાભ્યાસ, "વાયુ શક્તિ-2026", આજે સાંજે પાકિસ્તાન સરહદ નજીક રાજસ્થાનના પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે યોજાશે. આ યુદ્ધાભ્યાસમાં સશસ્ત્ર દળોના સુપ્રીમ કમાન્ડર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ હાજર રહેશે. ઉડાન દરમિયાન રાષ્ટ્રપતિએ પ્રચંડ હેલિકોપ્ટરમાંથી સેલ્યૂટ કર્યું હતું.

