રિપોર્ટ@દેશ: વિધાનસભા ચૂંટણીનાં પરિણામના એક દિવસ પહેલાં CM પદ માટે ખેંચતાણ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. વિધાનસભા ચૂંટણીનાં પરિણામના એક દિવસ પહેલાં CM પદ માટે ખેંચતાણ જોવા મળી રહી છે. વિધાનસભા ચૂંટણીનાં પરિણામોના એક દિવસ પહેલાં મહારાષ્ટ્રમાં નવા CM મામલે પ્રેશર પોલિટિક્સ શરૂ થઈ ગઈ છે. બારામતીમાં NCP અજિત જૂથના વડા અજિત પવારને ભાવિ CM બતાવતા પોસ્ટર લગાવવામાં આવ્યા છે.
આ તરફ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનાં પરિણામોના એક દિવસ પહેલાં જ મહાવિકાસ અઘાડીમાં મુખ્યમંત્રી મામલે ખટપટ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસના નેતા નાના પટોલેએ કહ્યું- મહારાષ્ટ્રમાં કોંગ્રેસના નેતૃત્વમાં મહાવિકાસ અઘાડીની સરકાર બનશે. વલણો પરથી લાગે છે કે કોંગ્રેસને વધુ બેઠકો મળશે. તેથી કોંગ્રેસના નેતૃત્વમાં સરકાર બનશે.
પટોલેનું નિવેદન શિવસેનાના સંજય રાઉતને સારું લાગ્યું નથી. રાઉતે કહ્યું કે મહા વિકાસ અઘાડી સરકાર બનાવશે, પરંતુ MVA ગઠબંધન સહયોગી નક્કી કરશે કે મુખ્યમંત્રી કોણ હશે. હું તેને સ્વીકારીશ નહીં. કોઈ સ્વીકારશે નહીં.
રાઉતે એમ પણ કહ્યું કે જો કોંગ્રેસ હાઈકમાન્ડે પટોલેને કહ્યું છે કે તેઓ સીએમ બનશે, તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અથવા પ્રિયંકા ગાંધી વાડ્રાએ તેની જાહેરાત કરવી જોઈએ.