રિપોર્ટ@દેશ: દક્ષિણ ગુજરાતની જીવાદોરી ઉકાઈ ડેમનો આકાશી નજારો, જાણો વધુ વિગતે

અટલ સમાચાર દોત્બ કોમ, ડેસ્ક
હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. પ્રકૃતિ વરસાદના કારણે ખિલી ઉઠી છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પડેલા વરસાદને લઈ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ રહી છે. જેમાં આજે 72,015 ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઇ છે. વરસાદના કારણે ગુજરાતની દરેક નદીઓ પાણીના સ્તરનો વધારો થયો છે. ત્યારે સૂર્ય પુત્રી તાપી નદી પર બનાવવામાં આવેલા ઉકાઈ ડેમનો ડ્રોન નજારો સામે આવ્યો છે. ઉકાઈ ડેમ આસપાસનાં 5 જિલ્લાનાં લોકોની તરસ છીપવે છે. સાથે દર વર્ષે આ તાપી માતાના જન્મદિવસ પર ડેમ પર પૂજા અર્ચના કરી ઉજવણી લેવામાં આવે છે. ચાલો જાણીએ ઉકાઈ ડેમનો ઇતિહાસ...
ઉકાઇ ડેમ તાપી નદી પર બંધાયેલો અને ગુજરાત રાજ્યમાં આવેલો બંધ છે. ઉકાઇ બંધનું તળાવ વલ્લભ સાગર તરીકે ઓળખાય છે. આ બંધનું બાંધકામ 1964માં શરૂ થયું હતું. જે બાંધકામ 1972ની સાલમાં પૂર્ણ થયેલું અને તેનો હેતુ સિંચાઇ, જળ વિદ્યુત અને પૂર નિયંત્રણ છે. 62,255 ચોરસ કિમીના સ્ત્રાવક્ષેત્ર અને 52,000 હેક્ટર્સ વિસ્તારમાં પાણીના ફેલાવા સાથે આ બંધ ભાખરા નાંગલ બંધની સમાન ક્ષમતા ધરાવે છે. આ બંધ તાપીના વ્યારાથી 30 કિમીના અંતરે આવેલો છે. જ્યારે સુરતથી 94 કિમીના અંતરે આવેલો છે.
અહીં 4 જળ વિદ્યુત ટર્બાઇન આવેલા છે, જે દરેકની ક્ષમતા 75 મેગાવોટ્સ છે અને કુલ ક્ષમતા 300 મેગાવોટ્સ છે. આ બધા જ ટર્બાઇન ભેલ (BHEL) દ્વારા બનાવવામાં આવેલા છે. આ ટર્બાઇન અનુક્રમે 8 જુલાઇ 1974, 13 ડિસેમ્બર 1974, 22 એપ્રિલ 1975 અને 4 માર્ચ 1976ના દિવસોએ સ્થાપવામાં આવ્યા હતા.
સુરતીઓ સોનગઢ થઈને ઉકાઈ ડેમ સુધી પહોંચી શકે છે. જ્યારે ભરૂચવાસીઓ કામરેજ- માંડવી થઈને ઉકાઈ ડેમ સુધી પહોંચી શકે છે. આમ મહારાષ્ટ્રમાં મુસાફરો નવાપુર-સોનગઢ થઈ ઉકાઈ સુધી પહોંચી શકે છે. આ પ્રવાસનમાં તમને ગુજરાતવાસીઓનો વિશાળ તાપી નદી સાથેનો પ્રેમ, પ્રકૃતિ અને જમીન સાથે જોડાવાનો અદ્ભુત અનુભવ થશે. આ સાથે જ તમે ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારના નાના-નાના ટાપુઓના ડ્રોન કેમેરામાં કેદ થયેલા દૃશ્યો જોઈ પર્યાવરણ સાથે નજીકનો અનુભવ થાય છે.
ઉકાઈ બંધ દેશના સૌથી મોટા બંધોમાંનો એક છે. ભારતની સ્વતંત્રતાના લગભગ એક દાયકા બાદ સુરત જિલ્લામાં સિંચાઈ માટે તેમજ વારંવાર આવતાં પૂર પર આંશિક નિયંત્રણ લાવવા તેમજ બંધ દ્વારા માત્ર સિંચાઈ જ નહીં પણ ઊર્જાના ઉત્પાદન જેવો અગત્યનો લાભ પણ પ્રાપ્ત થઈ શકે તે માટે તાપી નદી પર બંધ બાંધવાની આવશ્યકતા જણાઈ હતી.
જેને વર્ષ 1961માં આયોજન પંચ દ્વારા અને ફેબ્રુઆરી 1962માં તત્કાલિન રાજ્ય સરકાર દ્વારા વહીવટી મંજૂરી મળી હતી. ત્યાર બાદ વર્ષ 1964માં આ બહુહેતુક ભગીરથ યોજનાનું અમલીકરણ શરૂ થયું હતું. જેનું તારીખ 29 જાન્યુઆરી 1972ના રોજ દેશના તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કુદરત અને માનવપ્રવૃત્તિનું અનોખું સંગમસ્થાન એવું આ જળાશય પોતાના ખુશનુમા વાતાવરણ સાથે સદાય આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.