રિપોર્ટ@ગુજરાત: પોરબંદરમાં રાદડિયાએ ભાજપનો વિજયરથ રોક્યો, કયા કારણે આવું કર્યું ?

 ગેંગવોર માટે બદનામ થયું હતું.
 
રિપોર્ટ@ગુજરાત: પોરબંદરમાં રાદડિયાએ ભાજપનો વિજયરથ રોક્યો, કયા કારણે આવું કર્યું ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હવે ચૂંટણીના થોડાજ દિવસો બાકી રહ્યા છે. પોરબંદર લોકસભા બેઠક એટલે ભાજપનો ગઢ કહી શકાય, કારણ કે 1991થી 2019 સુધીની 8 ટર્મમાં ફક્ત એક જ વાર કોંગ્રેસ આ બેઠક પર જીતી છે અને એ પણ વિઠ્ઠલ રાદડિયાના ચહેરાના કારણે. 2009માં વિઠ્ઠલ રાદડિયા કોંગ્રેસની ટિકિટ પરથી લડ્યા અને 39,503 મતની લીડથી જીત મેળવી હતી.


મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદર 80-90ના દાયકામાં ગેંગવોર માટે બદનામ થયું હતું. પોરબંદરના કડછ ગામે મેર પરિવારમાં જન્મેલા અને ખેતમજૂરમાંથી માથાભારે શખ્સ બનેલા સરમણ મુંજાની ગેંગ આખા પોરબંદરને ધ્રુજાવતી. સરમણ મુંજા ઉપરાંત ઇકુ ગગન શિયાળ, નારણ સુધાની ગેંગનો પણ તરખાટ હતો. મેર અને ખારવા ગેંગ વચ્ચે અથડામણ થતી. ગેંગવોરમાં સરમણ મુંજાની હત્યા થયા બાદ તેમના પત્ની સંતોકબેન જાડેજાએ પરિવાર અને સરમણની ગેંગને સંભાળ્યા. સંતોકબેને રાજકારણમાં એન્ટ્રી કરી અને ધારાસભ્ય પણ બન્યા. તેમના જીવન પરથી બોલિવૂડ ફિલ્મ ગોડમધર બની હતી. સંતોકબેનના પુત્ર કાંધલ જાડેજા હાલમાં કુતિયાણા બેઠક પરથી સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય છે.

વર્ષ 1977થી પોરબંદર બેઠક અસ્તિત્વમાં આવી. અત્યારે પોરબંદર લોકસભા બેઠકમાં જે વિધાનસભાઓ આવે છે એ આ પહેલાં રાજકોટ અને જૂનાગઢ લોકસભા બેઠકમાં વહેંચાયેલી હતી. 1977માં જ્યારે પોરબંદર બેઠક પર ચૂંટણી યોજાઈ ત્યારે ભારતીય લોકદળના ધરમશી પટેલ કોંગ્રેસના ઉમેદવાર રમણિકલાલ ધામીને 24,429 મતે હરાવીને જીત્યા હતા.

જ્યારે 1980માં કોંગ્રેસ (આઈ)ના માલદે ઓડેદરા જનતા પાર્ટીના ઉમેદવાર ધરમશી પટેલને 60,308 મતની લીડથી હરાવીને સાંસદ બન્યા હતા. વર્ષ 1984ની ચૂંટણીમાં કોંગ્રેસના ભરત ઓડેદરાએ ભાજપના ઉમેદવાર આર.કે.અમીનને 77,951 મતની લીડથી હરાવીને જીત મેળવી હતી. 1980 અને 1984માં કોંગ્રેસના દબદબા બાદ અહીં જનતા દળ અને ભાજપનું વર્ચસ્વ રહ્યું. ફક્ત 2009માં કોંગ્રેસના વિઠ્ઠલ રાદડિયાની જીત થઇ હતી.

2004માં ભાજપના હરિભાઇ પટેલ સામે કોંગ્રેસના ઉમેદવાર વિઠ્ઠલ રાદડિયાની 5,703 મતથી હાર થઈ હતી, જે પોરબંદર લોકસભા બેઠકના ઇતિહાસમાં અત્યારસુધીની સૌથી ઓછા માર્જિનથી થયેલી હાર છે. 

આ વખતે ભાજપે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાને ટિકિટ આપી છે. મનસુખ માંડવિયા પહેલીવાર લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે 2019માં હારેલા ઉમેદવાર લલિત વસોયાને ફરીથી મેદાને ઉતાર્યા છે. મનસુખ માંડવિયાનું વતન પાલિતાણા છે, જે ભાવનગર જિલ્લામાં આવે છે, પોરબંદર તેમનું વતન નથી એટલે પોરબંદર બેઠક માટે મનસુખ માંડવિયા આયાતી ઉમેદવાર કહી શકાય. મનસુખ માંડવિયા 2002માં પાલિતાણા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા હતા. જ્યારે લલિત વસોયા 2019માં રમેશ ધડૂક સામે 2,29,823 મતથી હાર્યા હતા, પરંતુ આ વખતે કોંગ્રેસે ફરીથી તેમને ટિકિટ આપી છે.


પોરબંદર લોકસભા બેઠકમાં ગોંડલ, જેતપુર, ધોરાજી, પોરબંદર, કુતિયાણા, માણાવદર અને કેશોદ એમ 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે, જેમાંથી ગોંડલ, જેતપુર, ધોરાજી અને કેશોદ વિધાનસભા બેઠક ભાજપના કબજામાં છે, જ્યારે પોરબંદર અને માણાવદર કોંગ્રેસ પાસે હતી, પરંતુ તેના બન્ને ધારાસભ્યો અર્જુન મોઢવાડિયા અને અરવિંદ લાડાણી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે અને પેટાચૂંટણી માટે ભાજપે તેમને ઉમેદવાર પણ બનાવ્યા છે. જ્યારે કુતિયાણા બેઠક સમાજવાદી પાર્ટીના કબજામાં છે. અહીંથી કાંધલ જાડેજા ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.

તમામ 7 વિધાનસભામાં ભાજપને કુલ 4.83 લાખ મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસને 3.16 લાખ અને આમ આદમી પાર્ટીને 1.45 લાખ મત મળ્યા હતા. કોંગ્રેસ અને AAPના મળેલા મતનો સરવાળો કરીએ તો બંને પાર્ટીને મળીને કુલ 4.61 લાખ મત મળ્યા હતા, જે ભાજપને મળેલા કુલ મત 4.83 લાખ કરતાં ફક્ત 22 હજાર મત ઓછા છે.

પોરબંદર લોકસભા સીટ પરના જ્ઞાતિ સમીકરણની વાત કરીએ તો સૌથી વધુ મતદારો પાટીદાર છે, જેની સંખ્યા અંદાજે 2.47 લાખ છે, જ્યારે મેર અંદાજે 2.17 લાખ, ખારવા 2.14 લાખ, લોહાણા 1.41 લાખ, મુસ્લિમ 1.41 લાખ, કોળી 1.40 લાખ, બ્રાહ્મણ 1.36 લાખ, આહીર 1.24 લાખ, દલિત 1.22 લાખ મતદારો છે, જ્યારે અન્ય જ્ઞાતિના 2.82 લાખ મતદારો છે.

પોરબંદર લોકસભા સીટ પર છેલ્લી ત્રણ ચૂંટણીમાં થયેલા મતદાનની વાત કરીએ તો સૌથી વધુ મતદાન વર્ષ 2019માં 57 ટકા થયું હતું, જે વર્ષ 2014 કરતાં સરેરાશ 4 ટકા વધુ હતું. વર્ષ 2014માં પોરબંદરમાં સરેરાશ 53 ટકા મતદાન થયું હતું. વર્ષ 2009માં 48 ટકા મતદાન થયું હતું. 2019ની ચૂંટણીમાં 62 ટકા પુરુષો અને 51 ટકા મહિલાઓએ મતદાન કર્યું હતું. પુરુષોની સરખામણીએ મહિલાઓનું મતદાન 11 ટકા ઓછું હતું.

2019માં ચૂંટાયેલા ભાજપના સાંસદ રમેશ ધડૂકના રિપોર્ટ કાર્ડ પર નજર કરીએ તો લોકસભામાં પાંચ વર્ષમાં તેમની 76.20 ટકા હાજરી નોંધાઈ છે. તેઓ લોકસભાની કામગીરીના કુલ 273 દિવસોમાંથી 208 દિવસ હાજર રહ્યા હતા. તેમણે કુલ 36 પ્રશ્નો પૂછ્યા હતા. તેમને 17 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઇ હતી, જેમાંથી તેમણે 9.5 કરોડ રૂપિયા એટલે કે 56 ટકા ગ્રાન્ટ વાપરી છે.