રિપોર્ટ@દેશ: કેન્દ્રએ યુનિફાઇડ પેન્શન સ્કીમને મંજૂરી આપી, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સરકાર દ્વારા પેન્શન યોજના ચલાવવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર નવી પેન્શન સ્કીમ (NPS)ને બદલે હવે કેન્દ્રીય કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન સ્કીમ (UPS) લઈને આવી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે 24 ઓગસ્ટે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે કેબિનેટની બેઠકમાં તેને મંજૂરી આપવામાં આવી હતી. UPS 1 એપ્રિલ, 2025થી લાગુ થશે.UPSથી 23 લાખ કેન્દ્રીય કર્મચારીઓને ફાયદો થશે. કર્મચારીઓ પાસે UPS અથવા NPS પેન્શન યોજના પસંદ કરવાનો વિકલ્પ હશે. જો રાજ્ય સરકાર ઇચ્છે તો તેઓ તેને અપનાવી પણ શકે છે. જો રાજ્યોના કર્મચારીઓ જોડાશે તો લગભગ 90 લાખ કર્મચારીઓને તેનો લાભ મળશે.
કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે કહ્યું, હવે કર્મચારીઓ પર કોઈ બોજ નહીં રહે. નવી પેન્શન યોજનામાં કર્મચારીએ તેના બેઝિક પગારના 10% યોગદાન આપવું પડશે અને સરકાર 14% આપે છે. સરકાર તેના તરફથી કર્મચારીના બેઝિક પગારના 18.5% યોગદાન આપશે.
ટીવી સોમનાથને કહ્યું કે NPS હેઠળ 2004થી અત્યાર સુધી નિવૃત્ત થયેલા અને હવેથી માર્ચ 2025 સુધી નિવૃત્ત થનારા કર્મચારીઓને પણ તેનો લાભ મળશે. તેઓ ફંડમાંથી પહેલાથી જ મેળવેલા અથવા ઉપાડેલા નાણાંને એડજસ્ટ કર્યા પછી ચુકવણી કરવામાં આવશે.
સરકારનું યોગદાન 14% થી વધારીને 18.5% કરવામાં આવે તો પ્રથમ વર્ષમાં 6250 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થશે. આ ખર્ચ દર વર્ષે વધતો રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિવાસસ્થાને કેન્દ્રીય કર્મચારીઓના નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ સંબંધમાં કર્મચારી મંત્રાલય દ્વારા 21 ઓગસ્ટે નોટિસ જારી કરવામાં આવી હતી. આ બેઠક એવા સમયે થઈ જ્યારે બે રાજ્યો જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
છેલ્લા 10 વર્ષમાં આ પહેલી બેઠક છે, જેમાં વડાપ્રધાન અને નેશનલ કાઉન્સિલ ઓફ સેન્ટ્રલ એમ્પ્લોઈઝ એટલે કે જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી (JCM)ના સભ્યો હાજરી આપશે. મીટિંગમાં જૂની પેન્શન સ્કીમ (OPS), નવી પેન્શન સ્કીમ (NPS) અને 8મા પગાર પંચ અંગે ચર્ચા થઈ શકે છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ બજેટ રજૂ કરતી વખતે NPS સુધારવાની વાત કરી હતી. તે જ સમયે, સંસદમાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જવાબ આપ્યો હતો કે સરકાર OPSને પુનઃસ્થાપિત કરવા પર કોઇ વિચાર કરી રહી નથી.
રેલવે પછી કેન્દ્રીય કર્મચારીઓના સૌથી મોટા સંગઠન ઓલ ઈન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશન (AIDEF)એ વડાપ્રધાનની બેઠકનો બહિષ્કાર કર્યો છે. AIDEFના જનરલ સેક્રેટરી સી શ્રીકુમારે કહ્યું કે સંગઠન પીએમ મોદી સાથેની બેઠકમાં ભાગ લેશે નહીં.
તેનું કારણ એ છે કે બેઠકમાં OPSના પુનઃસ્થાપિત કરવા અંગે નહીં પરંતુ એનપીએસમાં સુધારા અંગે ચર્ચા થશે. સંગઠનોએ પહેલેથી જ કહ્યું છે કે કર્મચારીઓને માત્ર OPS જોઈએ છે. તમને જણાવી દઈએ કે AIDEFએ 15 જુલાઈએ નાણા મંત્રાલયની બેઠકનો પણ બહિષ્કાર કર્યો હતો.
કર્મચારી સંગઠનોએ OPS પુનઃસ્થાપિત કરવા અંગે 29 ફેબ્રુઆરી 2024એ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો હતો. પત્રમાં માગ કરવામાં આવી હતી કે સરકાર એનપીએસ બંધ કરે અને ગેરંટીડ ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરે. જો માંગણીઓ સંતોષાય નહીં તો સંગઠનોએ 1 મે 2024થી અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર જવાની વાત કરી હતી. બાદમાં સરકાર તરફથી ચર્ચાની ખાતરી બાદ હડતાળ મોકુફ રાખવામાં આવી હતી.
માર્ચ 2024માં સરકારે તત્કાલિન નાણા સચિવ ટીવી સોમનાથન (તાજેતરમાં કેબિનેટ સચિવ તરીકે નિયુક્ત)ની અધ્યક્ષતામાં NPSમાં સુધારા માટે એક સમિતિની રચના કરી હતી. સમિતિએ વિશ્વભરના દેશોની પેન્શન યોજનાઓ સહિત આંધ્રપ્રદેશ સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારા સહિતનો પણ અભ્યાસ કર્યો છે.
તેમાં સામે આવ્યું છે કે સરકાર 40-45% પેન્શનની ખાતરી આપી શકે છે. આ પછી, તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે સરકાર કેન્દ્રીય કર્મચારીઓને છેલ્લા પગારના 50% પેન્શનની ખાતરી આપી શકે છે.
સરળ શબ્દોમાં કહીએ તો, જો નિવૃત્તિ પહેલા કર્મચારીનો છેલ્લો પગાર 50 હજાર રૂપિયા હોય, તો સરકાર તેને દર મહિને 25 હજાર રૂપિયા પેન્શન આપવાની યોજના બનાવી રહી છે.
આ દરમિયાન રાજ્ય સરકારોને પણ યુનિફાઇડ પેન્શન સ્કીમ પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવશે. જો રાજ્ય સરકારો UPSને પસંદ કરે છે, તો પેન્શન ધારકોની સંખ્યા લગભગ 90 લાખ હશે. સરકારના જણાવ્યા અનુસાર એરિયરની રકમ માટે 800 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. પ્રથમ વર્ષમાં વાર્ષિક ખર્ચમાં આશરે રૂ. 6,250 કરોડનો વધારો થશે.