રિપોર્ટ@ગુજરાત: રાજ્યના 2 જિલ્લાના 37 હજાર વિદ્યાર્થીઓએ શિક્ષાનો ત્યાગ કર્યો, જાણો સમગ્ર મામલો

પરિવારની આર્થિક સ્થિતિ અને દિકરીઓની સુરક્ષાએ ભણતર છોડાવ્યું
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યના 2 જિલ્લાના 37 હજાર વિદ્યાર્થીઓએ  શિક્ષાનો ત્યાગ કર્યો.પરિવારની આર્થિક સ્થિતિ અને દિકરીઓની સુરક્ષાએ ભણતર છોડાવ્યું. રાજ્યના બે જિલ્લા બનાસકાંઠા અને વાવ-થરાદમાંથી શિક્ષણ જગત માટે હચમચાવી દે તેવા આંકડા સામે આવ્યા છે. જિલ્લામાં ધોરણ 1 થી 12ના અંદાજે 37,415 જેટલા વિદ્યાર્થીઓ અધવચ્ચેથી અભ્યાસ છોડીને શિક્ષણના મુખ્ય પ્રવાહથી દૂર થઈ ગયા છે. પરિવારની આર્થિક સ્થિતિ, જાગૃતિનો અભાવ તેમજ દિકરીઓની સુરક્ષાએ શિક્ષણ છોડાવ્યું છે. જેથી આ બાળકોનું ભવિષ્ય ધૂંધળું દેખાઈ રહ્યું હતું, પરંતુ હવે શિક્ષણ વિભાગ આ બાળકોને મનાવવા મેદાનમાં ઉતર્યું છે.

બન્ને જિલ્લાના 14 તાલુકામાં મેગા સર્વે હાથ ધર્યો છે. ખાસ કરીને ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓમાં ડ્રોપઆઉટનું પ્રમાણ વધુ હોવાનું શિક્ષણ વિભાગના સર્વેમાં બહાર આવ્યું છે. દાંતા, અમીરગઢ, થરાદ, ધાનેરા, કાંકરેજ, પાલનપુર અને ડીસા જેવા વિસ્તારોમાં આ સમસ્યા વધુ જોવા મળી રહી છે. આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણનું સ્તર નીચું હોવાથી વિદ્યાર્થીઓ અભ્યાસથી દૂર થઈ રહ્યા છે.

શિક્ષણ વિભાગ બેક ટુ સ્કૂલ મિશન અંતર્ગત સક્રિય બન્યું છે. જિલ્લાના શિક્ષણ અધિકારીઓ, શિક્ષકો અને કર્મચારીઓ ગામે ગામ જઈ ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓને ફરી શાળામાં પ્રવેશ અપાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં અંદાજે 32,078 જેટલા વિદ્યાર્થીઓનું વેરિફિકેશન કરી તેમના વાલીઓ, ગ્રામજનો અને સરપંચો સાથે બેઠક યોજી વિદ્યાર્થીઓને ફરી શિક્ષણ સાથે જોડવાના પ્રયાસો કરવામાં આવ્યાં છે.

શિક્ષણ વિભાગનું કહેવું છે કે, હજુ બાકી રહેલા અંદાજે 5337 વિદ્યાર્થીઓને પણ બેક ટુ સ્કૂલ અભિયાન હેઠળ આવરી લેવામાં આવશે. ગામના આગેવાનો, સરપંચો અને વડીલો પણ હવે શિક્ષણ વિભાગને સાથ આપી રહ્યા છે જેથી કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહે. શિક્ષણ વિભાગનું ‘બેક ટુ સ્કૂલ’ મિશન આશાનું કિરણ બની રહ્યું છે.

આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિનુ પટેલે જણાવ્યું કે, શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1 થી 12માં જે બાળકો અભ્યાસ અધવચ્ચે છોડી ચૂક્યા છે એટલે કે 'ડ્રોપ આઉટ' થયા છે, તેમને ફરીથી શાળાના આંગણે લાવવા માટે 'બેક ટુ સ્કૂલ' મિશનની શરૂઆત કરવામાં આવી છે. અમે ગામે-ગામ જઈને ડ્રોપ આઉટ બાળકોના વાલીઓનો સંપર્ક કરી રહ્યા છીએ અને ગામના આગેવાનોને પણ આમાં સાથે જોડાયા છે.આ અભિયાનના ભાગરૂપે અમે દાંતા તાલુકાની સેબલપાણી અને અમીરગઢ તાલુકાની કાનપુર પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. ગ્રામજનોના સહયોગથી સેબલપાણીમાં 35 અને કાનપુરમાં 28 જેટલા બાળકોને પુનઃ પ્રવેશ અપાવવામાં આવ્યો છે. અમારો દ્રઢ નિર્ધાર છે કે, સામાજિક કે આર્થિક કારણોસર કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે. પરિવાર કે સમાજમાં શિક્ષણનો અભાવ તેમજ કેટલાક સામાજીક કારણોસર બાળકો સ્કૂલમાંથી ડ્રોપઆઉટ થયા છે. ગામના આગેવાનોએ પણ એ નિર્ધાર કર્યો છે કે, કોઈ પણ બાળક ડ્રોપ આઉટ ન થાય તેની અમારી પણ જવાબદારી છે.

બનાસકાંઠા જિલ્લામાં શિક્ષકોની ઘટ નથી પણ વાવ-થરાદમાં ઘટ છે જે ઘટ પણ આગામી સમયમાં નવા સત્રથી 'જ્ઞાન સહાયક' ની નિમણૂક આપી પૂર્ણ કરવામાં આવશે. જે બાળક ધોરણ 10 સુધી પહોંચી શક્યું નથી અને તે બાળકો 15 વર્ષથી વધુ વયના છે, તેમને અમે GSOS અને NIOS દ્વારા સીધી પરીક્ષા અપાવીને તેમની કારકિર્દી ઘડવામાં મદદરૂપ થઈશું.

કાનપુરા ગામના આગેવાન લાલાભાઈએ જણાવ્યું હતું કે, આજે કાનપુરા ગામમાં જે બાળકો ભણતા નથી તે બાબતે બેઠક હતી. કોઈ બાળક ભણ્યા વગર રહી ન જાય તેનું ધ્યાન રાખવા અધિકારીઓએ અમને કહ્યું છે. અત્યારે ટેકનિકલ જમાનો છે, જો અત્યારે બાળક નહીં ભણે તો તે બીજા કરતા પાછળ રહી જશે, તે માટે દરેક વાલીએ પોતાના બાળકને ભણવા મૂકવું જોઈએ.

વધુમાં જણાવ્યું કે, કાનપુરા ગામમાં આઠમા ધોરણ સુધીનું શિક્ષણ છે અને બાળકો ભણવા જાય જ છે. જે બાદ ઘણા બાળકો શાળા છોડી દે છે. જેનું મુખ્ય કારણ વાલીઓની આર્થિક પરિસ્થિતિ હોય છે. આ કારણોસર બાળકો આગળ ભણતા નથી. મારી નમ્ર વિનંતી છે કે, આપણે સૌ સાથે મળીને બાળકોના શિક્ષણ માટે યોગ્ય વ્યવસ્થા કરીએ જેથી દરેક બાળક આગળ ભણી શકે.

આ અંગે કાનપુરા પગાર કેન્દ્ર આચાર્ય રમેશકુમાર નાનજી પટેલે જણાવ્યું કે, ધો. 1 થી 8 સુધી તો કઈ તકલીફ નથી, પણ અહીં હાઈસ્કૂલ ન હોવાથી વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ માટે પાંચ કિલોમીટર દૂર જવુ પડે છે.

આ વિસ્તાર અંતરિયાળ વિસ્તાર છે, એટલે અમુક દીકરીઓ મોટી થઈ ગઈ છે એના પરિણામે વાલીઓ ત્યાં મોકલવા માટે તૈયાર થતા નથી. પણ અમે આ મિશન મોડની અંદર એમને સમજાવી અને 100% લક્ષ્યાંક પૂરો થાય અને 6 થી 18 વર્ષ સુધીનું દરેક બાળક શાળાએ ભણવા જાય એવા અમારા પૂરતા પ્રયત્નો છે. આગેવાનો, અમારા સાથી શિક્ષક મિત્રો અને ગામજનોનો સહયોગ લઇ એમને સમજાવી અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય સારું જાય એટલા માટે શિક્ષણ લેવું જરૂરી છે. તો એ દિશામાં અમે સઘન પ્રયાસો કરી રહ્યા છીએ.

વિદ્યાર્થી જગદીશ ગમારે જણાવ્યું કે, હું ધોરણ 11માં અભ્યાસ કરું છું. મારા ભાઈએ 2 વર્ષ પહેલા ભણવાનું છોડી દીધું હતું. હવે કાનપુર ગામમાં ટીમ આવી છે અને ભણવાનું કહ્યું છે, જેના દ્વારા તે ભણવા તૈયાર થયો છે. ઘરની પરિસ્થિતિ નબળી હોવાથી તેમજ અભ્યાસમાં થોડો નબળો હોવાથી ભણવાનું છોડી દીધું હતું.