રિપોર્ટ@ગુજરાત: રાજ્યમાં વધુ એક લોકગાયિકાના લવમેરેજનો વિવાદ સર્જાયો, જાણો સમગ્ર મામલો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં વધુ એક લોકગાયિકાના લવમેરેજનો વિવાદ સર્જાયો છે. લોકગાયિકા કાજલ મહેરિયાએ પરિવારની જાણ બહાર પ્રેમલગ્ન કરી લીધા હોવાની તેના ભાઈ દ્વારા પોસ્ટ કરી સમાજના આગેવાનો પાસે મદદ માગતા વિવાદ સર્જાયો છે. રવિવારે કાજલ મહેરિયાના પરિવારજનો અને મહેરિયા સમાજના આગેવાનો ગાંધીનગરના શેરથા કાજલની સાસરીમાં પહોંચી જતા પોલીસ દોડતી થઈ હતી. બાદમાં સમાજના આગેવાનો અડાલજ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં કાજલ મહેરિયાના લગ્ન અંગે પૂછપરછ કરી હતી. કાજલ દ્વારા પોતાનું મેરેજ સર્ટિફિકેટ રજૂ કરવાની તૈયારી દર્શાવવામાં આવી હતી.
ગુજરાતની જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા પોતાના લગ્નના હાઈ વોલ્ટેજ ડ્રામાને લઈ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી વિગતો અને કાજલના ભાઈ સંદિપભાઈ એન. મહેરિયા દ્વારા કરવામાં આવેલી જાહેર અપીલ મુજબ, સિંગરે પરિવાર કે સમાજને વિશ્વાસમાં લીધા વગર લગ્ન કરી લીધા છે. ગોઢવા ગામના રહેવાસી મહેરિયા પરિવારે આ નિર્ણયને સામાજિક મર્યાદાનો ભંગ ગણાવ્યો છે. પરિવારે 18 આલમ અને મહેરિયા સમાજને એકઠા થઈ આ મામલે સમર્થન આપવા વિનંતી કરી છે.જેને પગલે વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે.
આ વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે કાજલના પરિજનો અને સમાજના 70 જેટલા લોકો ગાડીઓનો કાફલો લઈને શેરથા ગામ પહોંચ્યા હતા. જેના પગલે કાજલના પતિએ 112 માં ફોન કરીને મદદ માંગતા અડાલજ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.સમાજના લોકોએ અડાલજ પોલીસ સ્ટેશન જઈ કાજલના લગ્ન અંગે સત્તાવાર પૂછપરછ કરી હતી. એ વખતે કાજલ મહેરિયાએ પોતાના લગ્નનું મેરેજ સર્ટિફિકેટ આવતીકાલે પોલીસને મોકલી આપવાની વાત કરી હતી.
ત્યારબાદ બંને પક્ષના લોકો પોલીસ મથકેથી રવાના થઈ ગયા હતા.આ અંગે અડાલજ પોલીસ મથકના પી.આઇ. એસ. જી. દેસાઈએ કહ્યું કે, કાજલ મહેરિયાના પરિવારજનો અહીં આવ્યા હતા. પરિવારની રજૂઆત હતી કે, કાજલે મેરેજ કર્યા છેકે નહીં? એણે જાણ કરી નથી એટલે અમે પૂછવા અહીં આવ્યા છીએ. જેથી કાજલે મેરેજ સર્ટિ રજૂ કરવાની તૈયારી દર્શાવી હતી. આ મામલે હાલના તબક્કે બીજી કોઈ અરજી કે ફરિયાદ પણ નથી.

