રિપોર્ટ@દિલ્હી: હાઇકોર્ટના જજના ઘરે બળીને રાખ થયેલી રોકડ રકમની તસવીરો જાહેર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાઇકોર્ટના જજના ઘરે બળીને રાખ થયેલી નોટોનો ઢગલો જોવા મળી રહ્યો છે. દિલ્હી હાઇકોર્ટના જસ્ટિસ યશવંત વર્માના ઘરમાંથી મળેલી રોકડ રકમની તસવીરો જાહેર થઈ છે. દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીકે ઉપાધ્યાયે આંતરિક તપાસ બાદ 21 માર્ચે સુપ્રીમ કોર્ટને રિપોર્ટ સુપરત કર્યો હતો. સુપ્રીમ કોર્ટે 22 માર્ચના રોજ મોડીરાત્રે રિપોર્ટ જાહેર કર્યો.
આ સાથે 3 ફોટોગ્રાફ્સ પણ જાહેર કરવામાં આવ્યા છે. એમાં બળી ગયેલી 500 રૂપિયાની નોટોનાં બંડલ દેખાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 14 માર્ચે જસ્ટિસના ઘરે આગ લાગ્યા બાદ ફાયરબ્રિગેડની ટીમ ત્યાં પહોંચી હતી. આગ પર કાબૂ મેળવ્યા પછી 4-5 અડધા બળી ગયેલા કોથળા મળ્યા હતા, જેમાં નોટો ભરેલી હતી.
બીજી તરફ, રિપોર્ટમાં જસ્ટિસ વર્માનો એ મત પણ છે, જેમાં તેમણે કહ્યું છે કે તેમણે કે તેમના પરિવારે ક્યારેય સ્ટોર રૂમમાં કોઈ પૈસા રાખ્યા નથી, જ્યાંથી નોટોના બંડલ મળ્યાં હોવાનું કહેવામાં આવે છે. એ એક ખુલ્લી જગ્યા છે, જ્યાં બધા અવરજવર કરે છે. તેમને આ કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે.