રિપોર્ટ@દેશ: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પરની ડીલ ફાઇનલ થઈ, ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર પડશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પરની ડીલ આજે ફાઇનલ થઈ ગઈ છે. ન્યુઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને સોમવારે તેની જાહેરાત કરી. તેમણે કહ્યું કે તેનાથી નિકાસકારો માટે વિશ્વની સૌથી મોટી વસ્તી ધરાવતા બજાર સુધી પહોંચવું સરળ બનશે.આ ડીલથી ન્યુઝીલેન્ડના નિકાસકારોને ભારતમાં મધ્યમ વર્ગ સુધી સરળ પહોંચ મળશે. ડીલ હેઠળ, ન્યુઝીલેન્ડથી ભારતમાં આવતી 95% વસ્તુઓ પરની આયાત જકાત નાબૂદ કરવામાં આવી છે અથવા નોંધપાત્ર રીતે ઘટાડવામાં આવી છે. તેમાં અડધાથી વધુ ઉત્પાદનો પહેલા દિવસથી જ ડ્યુટી ફ્રી થઈ જશે.
આ કરારની સીધી અસર સામાન્ય ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર પડશે. ન્યુઝીલેન્ડથી આવતા તાજા ફળો, ખાસ કરીને કીવી અને સફરજન પર હવે ઘણો ઓછો ટેક્સ લાગશે. આ ઉપરાંત, ઊન અને તેમાંથી બનેલા ઉત્પાદનો, લાકડું અને કેટલીક ખાસ પ્રકારની ડેરી વસ્તુઓ પણ સસ્તી થઈ જશે.
ન્યુઝીલેન્ડ સરકારના મતે, આ કરારની સૌથી મોટી વાત એ છે કે 50% થી વધુ સામાન પર 'ડે-વન' એટલે કે કરારના પહેલા દિવસથી જ કોઈ ડ્યુટી લાગશે નહીં. તેનો અર્થ એ છે કે આવતીકાલથી જ ન્યુઝીલેન્ડથી આવતા અડધાથી વધુ સામાન કોઈ વધારાના ટેક્સ વિના ભારતીય બજારમાં વેચી શકાશે. તેનાથી ભારતના ઝડપથી વિકસતા મિડલ ક્લાસ માટે વિદેશી ફળો, વાઇન અને અન્ય ડેરી ઉત્પાદનો સસ્તા થવાની અપેક્ષા છે.

