રિપોર્ટ@વર્લ્ડ: પાકિસ્તાન-અફઘાનિસ્તાન સંઘર્ષમાં 300નાં મોત, 500 ઘાયલ, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સૈન્ય સંઘર્ષમાં બંને પક્ષના 300થી વધુ લોકો મોત નીપજ્યા હતા.જ્યારે 500થી વધુ ઘાયલ થયા છે. બંને દેશો એકબીજાને આગળ પણ સૈન્ય કાર્યવાહી કરવાની ધમકી આપી રહ્યા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જ્યારે પૂછવામાં આવ્યું કે શું અમેરિકા પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે દખલગીરી કરશે? ત્યારે તેમણે કહ્યું કે હું દખલગીરી કરી શકું છું, પરંતુ મારા પાકિસ્તાન સાથે ખૂબ સારા સંબંધો છે. પાકિસ્તાન આ સમયે ઘણું સારું કરી રહ્યું છે.
બીજી તરફ, પાકિસ્તાનના સૈન્ય પ્રવક્તાએ આરોપ લગાવ્યો કે દેશમાં થતા આતંકી હુમલાઓ પાછળ ભારતની ભૂમિકા છે. તેમનું કહેવું છે કે આ ગતિવિધિઓ માટે અફઘાન તાલિબાનના ક્ષેત્રનો ઉપયોગ કરવામાં આવે છે.
પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં સંઘર્ષની શરૂઆત ગુરુવારે મોડીરાત્રે થઈ, જ્યારે અફઘાનિસ્તાને 22 ફેબ્રુઆરીના રોજ થયેલા પાકિસ્તાની એરસ્ટ્રાઈકના જવાબમાં કાર્યવાહી કરી. ત્યાર બાદ પાકિસ્તાને ‘ઓપરેશન ગઝબ-લિલ-હક’ શરૂ કર્યું. પાકિસ્તાની વાયુસેનાએ કાબુલ, કંધાર, પક્તિયા, નંગરહાર અને અન્ય પ્રાંતોમાં એરસ્ટ્રાઈક કરી.
પાકિસ્તાની સેનાના પ્રવક્તા અહેમદ શરીફ ચૌધરીના જણાવ્યા અનુસાર, અત્યારસુધીમાં 274 તાલિબાન લડવૈયાઓ માર્યા ગયા છે અને 400થી વધુ ઘાયલ થયા છે.
તેમનું કહેવું છે કે 115 ટેન્ક અને બખ્તરબંધ વાહનો નષ્ટ કરવામાં આવ્યાં, 74 ચોકી તબાહ કરવામાં આવી અને 18 ચોકી પર પાકિસ્તાની સેનાએ નિયંત્રણ મેળવી લીધું છે. પાકિસ્તાને એ પણ સ્વીકાર્યું કે તેના 12 સૈનિકો માર્યા ગયા અને 27 ઘાયલ થયા છે.
જ્યારે તાલિબાનનું કહેવું છે કે તેના માત્ર 8થી 13 લડવૈયા માર્યા ગયા અને કેટલાક ઘાયલ થયા છે. તેણે દાવો કર્યો કે 55 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા અને બે સૈન્ય મુખ્યાલયો સહિત અનેક ચોકીઓ પર કબજો કરવામાં આવ્યો. તાલિબાને ચેતવણી આપી છે કે જો પાકિસ્તાને આગળ હુમલો કર્યો તો વધુ સખત જવાબ આપવામાં આવશે.

