રોજગાર@દેશ: RBIનો નવો નિયમ,બેંકના લોકરમાં કોઈપણ ખતરનાક વસ્તુઓ નહીં રાખી શકાય
- બેંકોએ હવે તેમના ગ્રાહકો સાથે લોકર ભાડે આપવા માટેના કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવા પડશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
- આરબીઆઇએ તૈયાર કરેલા નવા નિયમ મુજબ બનશે નવો કોન્ટ્રાક્ટ
- લોકરના ગેરકાયદેસર ઉપયોગ માટે બેંક જવાબદાર રહેશે નહીં
આપણામાંથી ઘણા લોકો જ્વેલરીથી લઈને મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટની સુરક્ષા માટે બેંક લોકરનો ઉપયોગ કરે છે.
જો તમે પણ કોઈ બેંકમાં લોકર રાખો છો અથવા જલ્દી જ આમ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે તેની સાથે સંબંધિત નવા નિયમો જાણવા જોઈએ. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ પણ આ માટે બેંકોને સૂચના આપી છે.
આરબીઆઈનું કહેવું છે કે, બેંકોએ હવે તેમના ગ્રાહકો સાથે લોકર ભાડે આપવા માટેના કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવા પડશે. નવા નિયમો અનુસાર, આ કોન્ટ્રાક્ટ તૈયાર કરવામાં આવશે, જેમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવશે કે ગ્રાહકો તેમના લોકરમાં કેવા પ્રકારનો સામાન રાખી શકે છે અને કયા પ્રકારનો ન રાખી શકે.
લોકરમાં રાખી શકશો બસ આ સામાન આરબીઆઈના નવા નિયમો અનુસાર, હવે ગ્રાહકો બેંક લોકરમાં માત્ર કાયદાકીય રીતે માન્ય વસ્તુઓ જેમ કે જ્વેલરી અને મહત્વપૂર્ણ દસ્તાવેજો જ રાખી શકશે. બેંક સાથેના કોન્ટ્રાક્ટમાં ગ્રાહકને વિગતવાર જણાવવામાં આવશે કે કયા પ્રકારનો સામાન રાખવાની છૂટ છે અને કયો નથી.
એટલું જ નહીં, બેંકના લોકર હવે ગ્રાહકોને તેમના અંગત ઉપયોગ માટે જ આપવામાં આવશે. આ નોન-ટ્રાન્સફરેબલ હશે. ઇન્ડિયન બેંક્સ એસોસિયેશન એક મોડેલ કોન્ટ્રાક્ટ કરશે. તેના આધારે બેંકો તેમના ગ્રાહકો સાથે કરાર તૈયાર કરશે.
બેંક ઉઠાવશે સ્ટેમ્પ પેપરનો ખર્ચ
બેંકના હાલના લોકર ગ્રાહકોના કોન્ટ્રાક્ટના રિન્યુ માટે સ્ટેમ્પ પેપરનો ખર્ચ બેંક ઉઠાવશે. જ્યારે અન્ય ગ્રાહકોએ બેંક લોકર લેવા પર કોન્ટ્રાક્ટના સ્ટેમ્પ પેપરની કિંમત ચૂકવવી પડશે.
આ સામાન રાખવા પર છે પાબંદી
ઘણા લોકો પોતાના બેંક લોકરમાં એવી વસ્તુઓ રાખે છે જે કાયદાકીય રીતે માન્ય નથી. ક્યારેક તે હાનિકારક પણ હોય છે. હવે આરબીઆઈએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે ગ્રાહકો તેમના લોકરમાં કઈ વસ્તુઓ ન રાખી શકે.
કેન્દ્રીય બેંક દ્વારા કહેવામાં આવ્યું છે કે, હવે ગ્રાહકો તેમના લોકરમાં રોકડ અથવા વિદેશી ચલણ રાખી શકશે નહીં. આ સાથે હથિયારો, ડ્રગ્સ અથવા દવાઓ, પ્રતિબંધિત અથવા કોઈપણ ખતરનાક અથવા ઝેરી સામાન રાખવા પર પ્રતિબંધ રહેશે.
બેંકને મળશે આ જવાબદારીથી મુક્તિ
આ સાથે બેંક અને ગ્રાહક વચ્ચે જે કોન્ટ્રાક્ટ પર સાઇન થશે. તેમાં બેંકને ઘણી જવાબદારીઓમાંથી રાહત મળશે. ઉદાહરણ તરીકે, બેંક લોકરના પાસવર્ડ અથવા ચાવીના કોઈપણ દુરુપયોગ અથવા ગેરકાયદેસર ઉપયોગ માટે બેંક જવાબદાર રહેશે નહીં. તેની જવાબદારી માત્ર ગ્રાહકની રહેશે.
સાથે જ ગ્રાહકને પોતાનો સામાન લોકરમાં રાખવાનો અધિકાર હશે. બેંકે તેનું રક્ષણ કરવું પડશે અને જો બેંક આમ કરવામાં નિષ્ફળ જાય છે, તો તેણે સમયાંતરે તેના સંબંધિત નિયમો હેઠળ ગ્રાહકને વળતર ચૂકવવું પડશે.