નિયમ@દેશ: તમિલનાડુના 52 મંદિરોમાં સ્માર્ટફોન લઈ જવા પર પ્રતિબંધ, જાણો વધુ વિગતે

શ્રદ્ધાળુઓએ મંદિરમાં પ્રવેશતા પહેલા સ્માર્ટફોન કાઉન્ટર પર જમા કરાવવો પડશે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

તમિલનાડુ સરકારે રાજ્યના 52 મુખ્ય મંદિરોમાં સ્માર્ટફોન લઈ જવા અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિયમ મંગળવારથી લાગુ થયો છે. નવા નિયમ મુજબ, શ્રદ્ધાળુઓએ મંદિરમાં પ્રવેશતા પહેલા સ્માર્ટફોન કાઉન્ટર પર જમા કરાવવો પડશે.

આ માટે દરેક ફોન પર 5 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. કેમેરા વગરના મોબાઈલ ફોનને મંદિરની અંદર લઈ જવાની મંજૂરી રહેશે. હિન્દુ રિલિજિયસ એન્ડ ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ (HR&CE) મંત્રી રમેશે આ માહિતી આપી.

ફોટો-વીડિયો અને રીલ બનાવવા પર પ્રતિબંધ

આ નિર્ણય 2 ડિસેમ્બર 2022ના રોજ મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચના આદેશના આધારે જારી કર્યો છે. મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓ દ્વારા, ખાસ કરીને યુવાનો દ્વારા ફોટો પાડવા, રીલ બનાવવા અને વીડિયો રેકોર્ડ કરવા અંગે સતત ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી.

મંત્રીએ કહ્યું કે જે મોબાઈલ ફોનમાં કેમેરા નથી, તેમને મંદિરની અંદર લઈ જવાની મંજૂરી હશે. નવા નિયમનો ઉદ્દેશ્ય મંદિરોની પવિત્રતા અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવી રાખવાનો છે.

કાંચીપુરમના પ્રસિદ્ધ દેવરાજસ્વામી-અથિ વરદાર મંદિરમાં મંગળવારે સવારે 6 વાગ્યાથી આ વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી છે. અહીં ફોન જમા કરાવવા માટે બે કમ્પ્યુટર ઓપરેટર અને બે કર્મચારીઓ તૈનાત કર્યા છે.

હાઈકોર્ટે તિરુચેન્દુરના અરુલમિગુ સુબ્રમણ્યમ સ્વામી મંદિરમાં સ્માર્ટફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માગ કરતી જનહિત અરજી પર સુનાવણી કર્યા બાદ આ આદેશ આપ્યો હતો.

આ પહેલા પણ મંદિરોમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ મૂકવા અને તેમને સુરક્ષિત રાખવાની વ્યવસ્થા કરવાના નિર્દેશો આપ્યા હતા.

મંદિરના અધિકારીઓને પ્રવેશદ્વાર અને મંદિર પરિસરની બહાર મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધની જાણકારી આપતા બોર્ડ લગાવવાના નિર્દેશ આપ્યા છે. લાઉડસ્પીકર દ્વારા પણ શ્રદ્ધાળુઓને આ નિયમની જાણકારી આપવા જણાવાયું છે.

HR&CE વિભાગે મંદિર પરિસરમાં દેવી-દેવતાઓના ફોટા પાડવા, વીડિયો બનાવવા અને ધાર્મિક વિધિઓના રેકોર્ડિંગ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. વીઆઈપી, મોટી હસ્તીઓ અને પ્રખ્યાત લોકોના ફોટા કે વીડિયો બનાવવાની પણ મંજૂરી નહીં હોય.