દુ:ખદ@મુંબઈ: સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલે સાંજે 4 વાગ્યે રાજકીય સન્માન સાથે પંચતત્વમાં વિલીન થશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભારતીય સંગીતનો ઝળહળતો સિતારો હંમેશ માટે આથમી ગયો છે. સાત દાયકા સુધી પોતાના મધુર અવાજથી વિશ્વને મંત્રમુગ્ધ કરનાર સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેનું 92 વર્ષની વયે નિધન થયું છે. ગઈકાલે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા, જ્યાં તેમને કાર્ડિયાક અરેસ્ટ અને છાતીમાં તકલીફ બાદ દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પુત્ર આનંદ ભોંસલેએ આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરતા જ સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સંગીત સામ્રાજ્ઞીની અંતિમ વિદાયની પ્રક્રિયા આજે સવારથી શરૂ થઈ ગઈ છે. સવારે 11 વાગ્યાથી ચાહકો અને મહાનુભાવો તેમના અંતિમ દર્શન કરી શકશે, ત્યારબાદ સાંજે 4:00 વાગ્યે મુંબઈના શિવાજી પાર્ક ખાતે તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
આશા ભોસલેના પુત્ર આનંદ ભોસલેએ રવિવારે મીડિયાને આપેલા નિવેદનમાં કહ્યું છે કે અંતિમ દર્શન આજે સવારે 10 વાગ્યે 30 મિનિટથી શરૂ થશે. લોકો ત્યાં સિંગરને છેલ્લી વાર જોવા આવી શકે છે, પરંતુ જો અંતિમ સંસ્કારમાં લોકો ન પહોંચે તો સારું રહેશે.
તેમણે કહ્યું- 'સવારે 10:30 થી 2 વાગ્યા સુધી કાસ્સા ગ્રાન્ડ બિલ્ડિંગમાં જ્યાં મારી માતા રહેતા હતા, ત્યાં લોકો દર્શન કરવા આવી શકે છે. બાદમાં 4 વાગ્યે સ્મશાનભૂમિમાં વધુ લોકો ન આવે તો સારું રહેશે, કારણ કે ત્યાં ભીડ થઈ શકે છે.'

