છેતરપિંડી@દેશ: ફેસબુક પર રોકાણની જાહેરાત કરી લોકોને ઠગતી યુપીની ઇસમોની ગેંગ ઝડપાઇ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં છેતરપિંડીના કેસ ખુબજ વધી ગયા છે.ઓનલાઈ ખુબજ ઠગ થઇ રહ્યા છે.હાલમાંજ અમદાવાદમાં લોકોને ઠગતી ગેંગ પોલીસે પકડી છે.ફેસબુક પર શેરબજારમાં રોકાણ કરતી કંપનીમાં માસિક આઠથી ૧૦ ટકા સુધીના વળતરની ખાતરી આપતી જાહેરાત મૂકીને દેશભરમાં લોકોના લાખો રૂપિયા પડાવી લેતી ઉત્તર પ્રદેશની ગેંગને અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઉત્તર પ્રદેશના લખનઉ ઝડપી લીધી છે. પ્રાથમિક તપાસમાં આ ગેંગના દ્વારા બે અલગ અલગ કંપની સ્થાપીને અત્યાર સુધીમાં દોઢ કરોડ ઉપરાંતની રકમની ઉચાપત કરી હોવાનું જાણવા મળ્યું છે.
વિરમગામમાં રહેતા એક વેપારીને ફેસબુક પર એલાયન્સ સોલ્યુશન નામની કંપનીની જાહેરાત જોઇ હતી. જેમાં શેરબજારમાં રોકાણની સામે પ્રતિમાસ આઠથી ૧૦ ટકાના ચોક્કસ વળતરની ખાતરી આપી હતી. વેપારીએ જાહેરાતમાં આપેલા નંબર પર કોલ કરીને પૂછપરછ કરતા કંપનીના સંચાલકોએ તેને લાલચમાં લઇને સાડા ત્રણ લાખનું રોકાણ કરાવ્યું હતું. ત્યારબાદ વળતર આપ્યું નહોતું અને શેરબજારમાં બનાવટી રોકાણ દર્શાવીને સાડા ત્રણ લાખની છેતરપિંડી કરી હતી. આ અંગે વિરમગામ પોલીસે ગુનો નોંધીને તપાસ કરી હતી. જેમાં એએસપી અંશુલ જૈનને આ દેશવ્યાપી નેટવર્ક હોવાની ચોક્કસ બાતમી મળી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ ગોઠવીને લખનઉમાં દરોડો પાડીને શંકર મિશ્રા (રહે.બિહાર), વિકાસ જયસ્વાલ (રહે. રેવા, મધ્ય પ્રદેશ) અને યોગેશ શાહુ (રહે. નર્મદાપુરમ, મધ્ય પ્રદેશ)ને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી ૨.૭૦ લાખ રોકડ, કાર, બે લેપટોપ, સીમ કાર્ડ, આઠ ફોન, સોનાના દાગીના જપ્ત કર્યા હતા. ઉપરાંત, પોલીસે ચાર લાખ બેંક એકાઉન્ટમાં જ ફ્રિઝ કરાવ્યા હતા. આમ, કુલ ૨૪ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એએસપી અંશુલ જૈને જણાવ્યું કે ઇન્દોરમાં શેરબજારના નામે દેશવ્યાપી કૌભાંડ ચાલે છે અને ઝડપાયેલા તમામ આરોપીઓ વર્ષ ૨૦૧૮ પહેલા આવી કંપનીમાં સાથે નોકરી કરતા હતા.
સોશિયલ મીડિયા પર રોકાણની વાતોથી ચેતો
સોશિયલ મીડિયા પર ઠગાઇના બનાવો સતત વધી રહ્યા છે. સોશિયલ મીડિયા પર રોકાણ કરી વધુ નફો કે વ્યાજ મેળવવાની વાત આવે કે તરત જ ચેતી જાવ. જો ચીટિંગનો ભોગ બનો તો તરત જ 1930 પર કોલ કરી ફરિયાદ કરવી જોઇએ. થોડી તકેદારી મોટું નુકસાન થતું બચાવી શકે છે.
અંશુલ જૈન, (એએસપી)