ગંભીર@દેશ: ઝેરી દારૂએ મચાવ્યો હાહાકાર: મણિપુર-નાગાલેન્ડમાં 34નાં મોત, 600થી વધુ હોસ્પિટલમાં દાખલ

CMએ તપાસના આદેશ આપ્યા
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

મણિપુરના ચંદેલ જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી મોટી દુર્ઘટના સર્જાઈ છે. ચકપી કરોંગ અને આસપાસના વિસ્તારોમાં દારૂ પીધા બાદ 600થી વધુ લોકોની તબિયત લથડતાં તેમને અલગ-અલગ હોસ્પિટલોમાં દાખલ કરવા પડ્યા છે. મણિપુરમાં અત્યાર સુધીમાં 15 લોકોનાં મોત થયા છે. 

શિજા હોસ્પિટલના એમડી ડૉ. ચેતન હુન્ડોંગબામે જણાવ્યું હતું કે, દાખલ દર્દીઓમાંથી 3 લોકોની હાલત અત્યંત ગંભીર હોવાથી તેમને ડાયાલિસિસ પર રાખવામાં આવ્યા છે. દર્દીઓની સંખ્યા વધતા હોસ્પિટલમાં તૈયાર કરેલી તમામ પથારીઓ ભરાઈ ગઈ છે, જેના કારણે અન્ય હોસ્પિટલો પાસેથી મદદ માંગવામાં આવી છે. 

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, અસરગ્રસ્તોએ પીધેલો દારૂ કાકચિંગ જિલ્લાના સુગનૂ વિસ્તારમાંથી ખરીદવામાં આવ્યો હતો અને તેમાં ઝેરી મિથેનોલ ભેળવવામાં આવ્યું હતું. પોલીસે દારૂના તસ્કરોની શોધખોળ તેજ કરીને અત્યાર સુધીમાં આશરે 10 લોકોને કસ્ટડીમાં લીધા છે. 

બીજી તરફ, નાગાલેન્ડમાં પણ ઝેરી દારૂથી 19 લોકોનાં મોત થયા હોવાનું સામે આવ્યું છે. મુખ્યમંત્રીએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે અને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકોની સ્થિતિની સમીક્ષા કરી છે. 

મૃત્યુઆંક અને દર્દીઓની સંખ્યામાં હજુ વધારો થવાની દહેશત વ્યક્ત કરાઈ રહી છે.