રાજકારણ@દેશ: અમારા કેટલાક ધારાસભ્યો ભાજપ સાથે જોડાઈ શકે તેવી શક્યતા દેખાય: શરદ પવાર

  • સંજય રાઉતે કહ્યું કે એનસીપીના વડાએ પક્ષમાં ફૂટ પડી હોવાનું સ્વીકાર્યું
 
ભાજપ
  • આંતરિક ખેંચતાણ વચ્ચે અજિત પવારનો ઝોક ભાજપ ભણી, શરદ પવાર તૈયાર નથી
  • દબાણવશ એનસીપીના કેટલાક ધારાસભ્યો-નેતાઓ પક્ષ છોડી શકે છે

મહારાષ્ટ્રમાં એનસીપીના કેટલાક ધારાસભ્યો પક્ષપલટો કરી શકે છે.

સોમવારે શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે)ના નેતા સંજય રાઉતે આ દાવો કર્યો. તાજેતરમાં તેમણે એનસીપીના વડા શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. પવારને તેમના ભત્રીજા, એનસીપી નેતા અજિત પવાર સાથે આંતરિક ખેંચતાણ ચાલી રહી હોવાનું કહેવાય છે. રાઉતના જણાવ્યાનુસાર પવારે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ ભાજપ સાથે નહીં જાય. પવારે કહ્યું છે કે સીબીઆઇ, ઇડી, આર્થિક ગુના શાખા અને પોલીસની મદદથી જે રીતે શિવસેના તૂટી તે પ્રકારે એનસીપીને તોડવા માટે પણ દબાણ કરાઇ રહ્યું છે, ધમકીઓ અપાઇ રહી છે પણ એનસીપી ભાજપની પડખે નહીં જાય. દબાણવશ એનસીપીના કેટલાક ધારાસભ્યો-નેતાઓ પક્ષ છોડી શકે છે, જે તેમનો અંગત નિર્ણય હશે.

શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે)ના મુખપત્ર 'સામના'માં પ્રકાશિત એક તંત્રીલેખમાં પણ રાઉતે આવો દાવો કરતા લખ્યું હતું કે, (ગત) મંગળવારે સાંજે હું ઉદ્ધવ ઠાકરે સાથે શરદ પવારને મળ્યો હતો. તેમણે કહ્યું કે કોઇને પોતાની મરજીથી એનસીપી છોડીને નથી જવું પણ પરિવારને ટારગેટ કરાય છે. કોઇએ વ્યક્તિગત નિર્ણય લેવો હોય તો એ તેમની ઇચ્છાની વાત છે પણ એનસીપી પક્ષ ભાજપની પડખે જવાનો નિર્ણય નહીં લે.

મહારાષ્ટ્રમાં શું ચાલી રહ્યું છે?

એવું મનાય છે કે અજિત પવારનો ઝોક ભાજપ ભણી છે અને તેઓ શરદ પવારને એનડીએમાં જોડાવાની વાત પણ કરી ચૂક્યા છે. પવાર કાકા-ભત્રીજો પોતપોતાના સ્તરે ધારાસભ્યોનું સમર્થન મેળવવા પ્રયત્નશીલ હોવાનું પણ કહેવાય છે. 2019માં પણ અજિત પવાર ભાજપ સાથે ગયા હતા અને દેવેન્દ્ર ફડણવીસ સાથે મળીને સરકાર રચવા તૈયારીઓ કરી લીધી હતી.