વેપાર@દેશ: અદાણી ગ્રૂપની તમામ લિસ્ટેડ કંપનીના શેરમાં 5 ટકા સુધીનો ઘટાડો

તમામ કંપનીઓના શેર તૂટ્યા હતા.
 
વેપાર@દેશ: અદાણી ગ્રૂપની તમામ લિસ્ટેડ 10 કંપનીના શેરમાં 5 ટકા સુધીનો ઘટાડો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

શેર બજારમાં તેજી અને મંદી આવતી જ હોય છે.  અદાણી ગ્રૂપ કંપનીઓના તમામ શેરમાં ફરી મંદીનો માહોલ જોવા મળ્યો છે. ગૌતમ અદાણીની માલિકીની શેરબજારમાં લિસ્ટેડ તમામ 10 કંપનીઓના શેર વેચવાલીના દબાણથી ઇન્ટ્રા-ડે પાંચ ટકા સુધી તૂટ્યા હતા. શેર ઉપરાંત અદાણી ગ્રૂપના ડોલર બોન્ડમાં છ મહિનાનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. અદાણી ગ્રૂપ સામે ફરી લાંચ મામલે તપાસના અહેવાલથી સેન્ટિમેન્ટ ખરડાયું છે. જાણો શું છે સમગ્ર મામલો

બ્લૂમબર્ગની ન્યૂઝ રિપોર્ટ અનુસાર અમેરિકાની સરકારે લાંચના આશંકામાં અદાણી ગ્રૂપ સંબંધિત તપાસનો દાયરો વધાર્યો છે. અમેરિકાની તપાસ એજન્સી એ વાતની તપાસ કરી રહી છે કે, અદાણી ગ્રૂપની એક કંપની કે અદાણી સહિત કંપનીના અન્ય વ્યક્તિઓ ભારતમાં એક એનર્જી પ્રોજેક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને લાંચ આપવામાં સામેલ છે કે નહીં. અમેરિકન તપાસ એજન્સીના અહેવાલ બાદ અદાણી ગ્રૂપની ફ્લેગશિપ ફર્મ અદાણી એન્ટરપ્રાઇસિસ સહિત તમામ કંપનીઓના શેર તૂટ્યા હતા.

ગૌતમ અદાણી ગુજરાતી ઉદ્યોગપતિ અને ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. 

મની કન્ટ્રોલના એક ન્યૂઝ રિપોર્ટ અનુસાર અદાણી ગ્રૂપે એક નિવેદનમાં જણાવ્યું છે કે, અમે પોતાના ચેરમેનની વિરુદ્ધ કોઇ તપાસની જાણકારી મળી નથી. એક ગ્રૂપ બિઝનેસ તરીકે અમે કોર્પોરેટ ગવર્નન્સના ઉચ્ચત્તમ માનાંકો સાથે કામ કરીયે છીએ. અમે ભારત અને અન્ય દેશોમાં ભ્રષ્ટાચાર વિરોધી અને લાંચ વિરોધી કાયદાને આધિન છીએ અને અમે તેનું સંપૂર્ણપણે પાલન કરીયે છીએ.

નોંધનિય છે કે, જાન્યુઆરી 2023માં યુએસ શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચના અદાણી ગ્રૂપ કંપનીઓ સામે શેરમાં સટ્ટાકીય પ્રવૃત્તિ અને નાણાંકીય ગેરરીતિના આક્ષેપના એક વર્ષ બાદ આ નવો વિવાદ સર્જાયો છે.

ગૌતમ અદાણીની માલિકીના અદાણી ગ્રૂપની 10 કંપનીઓ શેર બજારમાં લિસ્ટેડ છે.

અદાણી ગ્રૂપ શેરમાં ઘટાડો

કંપનીનું નામ બંધ ભાવ ઘટાડો
અદાણી ટોટલ ગેસ 947 4.35% ટકા
અદાણી એનર્જી સોલ્યુશન 1009 3.40 ટકા
અંબુજા સિમેન્ટ 585 2.71 ટકા
એસીસી લિમિટેડ 2441 2.47 ટકા
અદાણી ગ્રીન એનર્જી 1870 1.67 ટકા
એનડીટીવી 214 2.08 ટકા
અદાણી વિલ્મર 337 2.05 ટકા
અદાણી પોર્ટ સેઝ 1267 1.24 ટકા
અદાણી એન્ટરપ્રાઇસ 3110 0.71 ટકા
અદાણી પાવર 529 0.35%

અમેરિકન એજન્સી દ્વારા લાંચ મામલે તપાસના અહેવાલથી વોલેટાઇલ માર્કેટમાં અદાણી ગ્રૂપના તમામ શેર 5 ટકા સુધી તૂટ્યા હતા. જેમાં સૌથી વધુ અદાણી ટોટલ ગેસ 4.3 ટકા, અદાણી એનર્જી સોલ્યુશન 3.4 ટકા, અંબુજા સિમેન્ટ 2.7 ટકા, એસીસી લિમિટેડ 2.5 ટકા અને અદાણી ગ્રીન એનર્જી 1.7 ટકા ઘટીને બંધ થયા હતા.