રમત@ક્રિકેટ: ભારતીય ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વર્લ્ડ કપ 2023માંથી બહાર થઈ ગયો

ટુર્નામેન્ટમાંથી બહાર થવાનું દુ:ખ વ્યક્ત કર્યું 
 
રમત@ક્રિકેટ: ભારતીય ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વર્લ્ડ કપ 2023માંથી બહાર થઈ ગયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભારતીય ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વર્લ્ડ કપ 2023માંથી બહાર થઈ ગયો છે. બાંગ્લાદેશ સામેની મેચમાં હાર્દિકને ઈજા થઈ હતી. બોલ રોકવાના પ્રયાસમાં તે ઘાયલ થયો હતો. ટૂર્નામેન્ટમાંથી બહાર થયા બાદ હાર્દિક પંડ્યાએ પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી.

વર્લ્ડ કપ 2023માંથી બહાર થઈ ગયા બાદ હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પહેલી પ્રતિક્રિયા આપી હતી. હાર્દિક પંડ્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરી એક ફોટો શેર કર્યો હતો અને તેની સાથે ખાસ મેસેજ લખી પોસ્ટ કરી હતી. જેમાં તેણે ટુર્નામેન્ટમાંથી બહાર થવાનું દુ:ખ વ્યક્ત કર્યું હતું, સાથે જ ફેન્સનો આભાર માન્યો હતો.

હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, આ વાતને પચાવવી મુશ્કેલ છે કે હું વર્લ્ડ કપની બાકીની મેચોમાં નહીં રમી શકું. હું પૂરી ભાવના સાથે ટીમ સાથે રહીશ અને દરેક બોલ પર તેમને પ્રોત્સાહિત કરીશ. દરેકની શુભેચ્છાઓ, પ્રેમ અને સમર્થન બદલ આભાર. આ ટીમ ખાસ છે અને મને ખાતરી છે કે અમે દરેકને ગૌરવ અપાવીશું.

બાંગ્લાદેશ સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયા બાદ હાર્દિક ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને શ્રીલંકા સામેની મેચમાં રમ્યો નહોતો. તેના સ્થાને સૂર્યકુમાર યાદવને પ્લેઈંગ 11માં સામેલ કરવામાં આવ્યો હતો. સૂર્યકુમાર યાદવે ઈંગ્લેન્ડ સામે 49 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. જોકે, તે શ્રીલંકા સામે પ્રદર્શન કરી શક્યો નહોતો.

હાર્દિકનું બહાર થવું ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો છે. હાર્દિક છઠ્ઠા નંબર પર બેટિંગ કરે છે અને કેપ્ટનને છઠ્ઠા બોલરનો વિકલ્પ આપે છે. એવામાં તેના બહાર થવાથી ટીમને ઝટકો જરૂર લાગ્યો છે, જોકે તેના સ્થાને પ્રસિદ્ધ કૃષ્ણાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે અને તે જલ્દી ટીમ સાથે જોડાશે.

હાર્દિક પંડયાની ઈજાને કારણે ટીમ ઈન્ડિયાના પ્રદર્શન પર કોઈ અસર થઈ નથી. ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટમાં 7 મેચ રમી છે અને તે તમામમાં જીત મેળવી છે. તેના 14 પોઈન્ટ છે અને તે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. ભારત વર્લ્ડ કપ 2023માં સેમી ફાઈનલમાં ક્વોલિફાય કરનાર પહેલી ટીમ બની હતી.