રમત@ક્રિકેટ: આઈસીસી વન ડે વર્લ્ડ કપ 2023માં શ્રીલંકા ક્રિકેટ ટીમનું અભિયાન હાર સાથે ખતમ થયું

વિશ્વ કપ 2023ના પોઈન્ટ ટેબલમાં 9માં સ્થાન પર
 
રમત@ક્રિકેટ: આઈસીસી વન ડે વર્લ્ડ કપ 2023માં શ્રીલંકા ક્રિકેટ ટીમનું અભિયાન હાર સાથે ખતમ થયું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આઈસીસી વન ડે વર્લ્ડ કપ 2023માં શ્રીલંકા ક્રિકેટ ટીમનું અભિયાન હાર સાથે ખતમ થયું છે. શ્રીલંકાએ પોતાની અંતિમ લીગ મેચમાં 5 વિકેટથી હારનો સામનો કરવો પડયો હતો. આ હાર સાથે જ શ્રીલંકા માટે મુસીબતો વધી ગઈ છે. શ્રીલંકન ટીમ ટૂર્નામેન્ટમાં 9 મેચ રમી ફક્ત 4 પોઈન્ટ મેળવી શકી. તેના કારણે તે પોઈન્ટ ટેબલમાં 9માં સ્થાન પર આવી ગયું.

તો વળી હવે તેના પર ચેમ્પિયંસ ટ્રોફીમાંથી બહાર થવાનો ખતરો મંડરાવા લાગ્યો છે. ફક્ત એટલું જ નહીં, શ્રીલંકાને મળેલી આ હારથી પાકિસ્તાનને પણ મોટો ઝટકો લાગ્યો છે. આશા હતી કે, શ્રીલંકન ટીમ જો ન્યૂઝીલેન્ડને હરાવી દે તો તેનાથી પાકિસ્તાનને સેમીફાઈનલમાં પહોંચવામાં મદદ મળશે, પણ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ શ્રીલંકા ખુદ પોતાની જ મદદ ન કરી શક્યું, પાકિસ્તાનની શું મદદ કરે!

પાકિસ્તાની ટીમનું વિશ્વ કપ સેમીફાઈનલમાંથી બહાર થવાનું લગભગ નક્કી થઈ ચુક્યું છે કેમ કે ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચમાં તેને ખૂબ જ મોટા અંતરેથી જીત મેળવવી પડશે, જે ખૂબ મુશ્કેલ લાગી રહ્યું છે. તો વળી ઈંગ્લેન્ડની ટીમ જો પાકિસ્તાન સામે હારી જાય તો ન્યૂઝીલેન્ડની ટીમ રન રેટમાં આગળ હોવાના કારણે સેમીફાઈનલમાં પોતાની જગ્યા બનાવી લેશે.

શ્રીલંકા ક્રિકેટ ટીમ વિશ્વ કપ 2023ના પોઈન્ટ ટેબલમાં 9માં સ્થાન પર છે. તો વળી આઈસીસીના બદલાયેલા નિયમ અનુસાર, પોઈન્ટ ટેબલમાં ટોપ 8 ટીમ જ ચેમ્પિયંસ ટ્રોફી માટે સીધી ક્વાલિફાઈ કરી શકશે. ત્યારે આવા સમયે શ્રીલંકન ટીમને ભારતની મદદની આશા છે.

હકીકતમાં જોઈએ તો, ટેબલમાં નેધરલેન્ડની ટીમ સૌથી નીચે છે. તેને ભારત સાથે પોતાની છેલ્લી મેચ રમવાની છે. ત્યારે આવા સમયે શ્રીલંકા એવું ઈચ્છે છે કે, ભારતીય ટીમ નેધરલેન્ડને મોટા અંતરથી હરાવે, જેથી ટેબલમાં તે ઉપર જઈ શકે નહીં. તો વળી ઓસ્ટ્રેલિયા પાસે એવી આશા રાખી છે કે, તે બાંગ્લાદેશને હરાવે, અને પાકિસ્તાન ટીમ ઈંગ્લેન્ડને હરાવી દે.