હવામાન@દેશ: Mocha વાવાઝોડું ગણતરીના કલાકોમાં ચક્રવાતમાં પરિવર્તિત થશે, જાણો પછી શું થશે ?

 
Mocha

અટલ સમાચાર, ડેસ્ક

મોચા વાવાઝોડું બને તે પહેલા ડિપ્રેશન ક્રિએટ થઈ ગયું છે, હવે તે ગણતરીના કલાકોમાં ચક્રવાતમાં પરિવર્તિત થશે. બંગાળની ખાડીમાં દક્ષિણ-પૂર્વમાં બનેલું ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થયા પછી તેનું જોર વધી શકે છે. આ પછી મોચા વાવાઝોડું ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. વાવાઝોડાનો ટ્રેક દર્શાવે છે કે તેની અસર બંગાળની ખાડીમાં પૂર્વના ભાગમાં આવેલ દેશો પર થઈ શકે છે. જોકે, આમ છતાં માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે.

વાવાઝોડું બંગાળની ખાડીમાં ઉત્તર તરફ આગળ વધીને વધારે તીવ્ર બનવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આજની રાત્રે ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. જે પછી તે 12મી મેથી ઉત્તર-ઉત્તરપશ્ચિમ આગળ વધી શકે છે. 12મીની સાજે વાવાઝોડું બંગાળની ખાડીની મધ્યમાં પહોંચે તેવી સંભાવનાઓ છે.

આ પછી 13મી મેની સાંજે વાવાઝોડું આક્રામક બનીને તે દક્ષિણપશ્ચિમ બાંગ્લાદેશ અને મ્યાયનમારના વચ્ચે દરિયા કિનારા પર ત્રાટકી શકે છે. સંભાવના છે કે વાવાઝોડું બાંગ્લાદેશના બાઝાર અને મ્યાનમારના ક્યાયુક્પ્યુ કે જે સિટ્ટ્વેની નજીક આવેલું છે ત્યાં ટકરાઈ શકે છે. વાવાઝોડું લેન્ડ ફોલ 14મી મેએ થઈ શકે છે. આ દરમિયાન હવાની ગતિ 140-150 કિલોમીટર પ્રતિકલાકની હોઈ શકે છે, જે વધીને 165 કિલોમીટર પણ થઈ શકે છે.

મોચા વાવાઝોડાના કારણે રાજ્યમાંથી ભેજ દૂર થઈ રહ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં હીટવેવ અને આકરી ગરમીની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યમાં અમદાવાદ માટે ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.