ધન્યવાદ પત્ર@દિલ્હીઃ 'મોદીજીએ બચાવી લીધા', સોનું ન ખરીદવાની અપીલ પર વેપારીઓએ પીએમને લખ્યો ધન્યવાદ પત્ર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વેપારીઓના સૌથી મોટા સંગઠન ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી (CTI) એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધન્યવાદ પત્ર લખ્યો છે. સંગઠને કહ્યું છે કે, મે મહિનામાં સોનું ન ખરીદવાની વડાપ્રધાનની અપીલે લાખો ઝવેરીઓ, વેપારીઓ અને રોકાણકારોને મોટા નુકસાનથી બચાવી લીધા છે.
CTI ના ચેરમેન બ્રિજેશ ગોયલે કહ્યું કે, જ્યારે વડાપ્રધાને સોનું ન ખરીદવાની સલાહ આપી હતી, ત્યારે સોનાનો ભાવ 1 કરોડ 90 લાખ રૂપિયા પ્રતિ કિલો હતો. આજે સોનાનો ભાવ ઘટીને 1 કરોડ 25 લાખ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. એટલે કે પ્રતિ કિલો 65 લાખ રૂપિયાનો ઘટાડો થયો છે.
તેમણે કહ્યું કે, "જો વેપારીઓએ વડાપ્રધાનની સલાહને અવગણીને તે સમયે સોનું ખરીદ્યું હોત, તો આજે પ્રતિ કિલો 65 લાખ રૂપિયાનું નુકસાન થાત. લાખો ઝવેરી દેવામાં ડૂબી જાત, કંગાળ થઈ જાત."
CTI એ પત્રમાં 5 મુખ્ય મુદ્દા જણાવ્યા:
1. લાખો ઝવેરી બચ્યા: દેશભરના લાખો ઝવેરી મહિનાઓનો સ્ટોક રાખે છે. જો તેમણે 1.90 કરોડના ભાવે સ્ટોક ખરીદ્યો હોત, તો આજે કરોડોના ખોટમાં હોત.
2. નાના વેપારી અને રોકાણકાર બચ્યા: ઓનલાઈન-ઓફલાઈન સોનામાં વેપાર કરતા લાખો નાના વેપારી અને રોકાણકારોને પણ ભારે નુકસાનથી બચાવ્યા. CTI ના ગ્રુપોમાં સતત મેસેજ આવી રહ્યા છે - "મોદીજીએ બચાવી લીધા.
"3. વિરોધ કરનારા પણ આજે માની રહ્યા છે: જે સલાહનો તે સમયે વિરોધ થયો હતો, આજે એ જ ઝવેરી અને વેપારી કહી રહ્યા છે કે વડાપ્રધાન સાચા હતા.
4. લગ્નની સિઝનમાં રાહત: અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે. સોનું સસ્તું થવાથી સામાન્ય ગ્રાહકને પણ ફાયદો થઈ રહ્યો છે. 52 લાખ લગ્નોવાળી સિઝનમાં પરિવારોને સસ્તું સોનું મળી રહ્યું છે.
5. CTI ની માંગ: CTI એ વડાપ્રધાનને આગ્રહ કર્યો છે કે સોના-ચાંદી જેવા સંવેદનશીલ બજાર પર સરકાર આગળ પણ સમય-સમય પર વેપારીઓને માર્ગદર્શન આપતી રહે, જેથી સટ્ટાબાજો અને સંગ્રહખોરોથી બજારને બચાવી શકાય.
અંતમાં CTI એ લખ્યું કે, "વડાપ્રધાનજી, તમે માત્ર સલાહ જ નથી આપી, લાખો પરિવારોની મૂડી બચાવી લીધી છે."

