ચૂંટણી@દેશ: ગઠબંધન 46 સીટો પર આગળ અને નેશનલ કોન્ફરન્સ 41, કોની થશે જીત ?

ફારુકે કહ્યું- ઓમર અબ્દુલ્લા આગામી CM હશે, AAPનું ખાતુ ખુલ્યું; ડોડામાં BJPના ઉમેદવારને હરાવ્યા

 
ચૂંટણી@દેશ: ગઠબંધન 46 સીટો પર આગળ અને નેશનલ કોન્ફરન્સ 41, કોની થશે જીત ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજે ચૂંટણીનું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. મતગણતરી ચાલુ થઇ ગઈ છે. જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના વલણો અનુસાર નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધનની સરકાર રચાય તેમ લાગે છે. ગઠબંધન 46 સીટો પર આગળ છે. નેશનલ કોન્ફરન્સ 41 સીટો પર આગળ છે જ્યારે કોંગ્રેસ 5 સીટો પર આગળ છે. ફારૂક અબ્દુલ્લાએ કહ્યું- ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના આગામી CM હશે.

આમ આદમી પાર્ટી માટે પણ એક મોટા સમાચાર સામે આવ્યા છે. AAPએ અહીં ખાતું ખોલ્યું છે. ડોડા સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર મેહરાજ મલિકે બીજેપીના ગજય સિંહ રાણાને લગભગ 4500 વોટથી હરાવ્યા છે. ભાજપ 29 સીટો પર અને પીડીપી 4 સીટો પર આગળ છે. અપક્ષો અને નાના પક્ષો 9 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. 90 બેઠકોની વિધાનસભામાં બહુમતનો આંકડો 46 છે.

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા બે બેઠકો પર ચૂંટણી લડ્યા હતા. તેઓ બડગામમાં જીત્યા અને ગાંદરબલમાં આગળ ચાલી રહ્યા છે. મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિજા મુફ્તી શ્રીગુફવારા-બિજબેહરા સીટથી પાછળ છે. તેણે કહ્યું- હું લોકોનો નિર્ણય સ્વીકારું છું. બીજી તરફ ભાજપ અધ્યક્ષ રવિન્દ્ર રૈના નૌશેરા બેઠક પરથી હારી ગયા છે.

જમ્મુ-કાશ્મીરમાં 18 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી 3 તબક્કામાં 63.88% મતદાન થયું હતું. 10 વર્ષ પહેલા 2014માં યોજાયેલી ચૂંટણીમાં 65% મતદાન થયું હતું. આ વખતે 1.12% ઓછું મતદાન થયું હતું.

5 ઓક્ટોબરે જાહેર થયેલા એક્ઝિટ પોલમાં એનસી-કોંગ્રેસ સરકારને 5 સર્વેમાં બહુમતી આપવામાં આવી હતી. 5 એક્ઝિટ પોલે ત્રિશંકુ વિધાનસભાની આગાહી કરી છે. એટલે કે નાના પક્ષો અને અપક્ષ ધારાસભ્યો કિંગમેકર બનશે.