રિપોર્ટ@દેશ: ગુજરાત હાઈકોર્ટને બળાત્કાર પીડિતાની ગર્ભપાતની અરજી પર સુપ્રીમે લગાવી ફટકાર

 
Supreme Court

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત હાઈકોર્ટના શનિવારે આપેલા નિર્ણય પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. હાઈકોર્ટે બળાત્કાર પીડિતાની 26 અઠવાડિયાની ગર્ભાવસ્થાને તબીબી સમાપ્તિની માંગ કરતી અરજીને સ્થગિત કરી દીધી હતી, જેના પર નારાજગી વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેસની સુનાવણી દરમિયાન કિંમતી સમય બરબાદ થઇ ગયો છે. જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેન્ચે એક વિશેષ બેઠકમાં કહ્યું હતું કે આવા કેસોની તાત્કાલિક સુનાવણી થવી જોઈએ અને મામલાને સામાન્ય મામલો ગણીને તેને મુલતવી રાખવાનું બેદરકારીભર્યું વલણ ન રાખવું જોઈએ.

અરજદારના વકીલે કોર્ટને માહિતી આપી હતી કે 25 વર્ષીય મહિલાએ 7 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો અને આ મામલે સુનાવણી બીજા દિવસે થઇ હતી, તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે 8 ઓગસ્ટના રોજ પ્રેગનન્સીની સ્થિતિ તેમજ અરજદારની મેડિકલ સ્થિતિની તપાસ કરવા માટે મેડિકલ બોર્ડની રચના કરવાનો નિર્દેશ જારી કર્યો હતો. મેડિકલ કોલેજ દ્વારા 10 ઓગસ્ટે રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો હતો જ્યાં તેની તપાસ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે રિપોર્ટને હાઇકોર્ટે 11 ઓગસ્ટે રેકોર્ડ પર લીધો હતો પરંતુ અનોખી વાત છે કે આ કેસને 12 દિવસ પછી એટલે કે 23 ઓગસ્ટે લિસ્ટ કરવામાં આવ્યો હતો. દરેક દિવસનો વિલંબ નોંધપાત્ર હતો અને કેસના તથ્યો અને સંજોગોને ધ્યાનમાં રાખીને તે ખૂબ મહત્વનું હતું. બેન્ચે એ પણ નોંધ્યું હતું કે અરજદારના વકીલ દ્વારા તેના ધ્યાન પર લાવવામાં આવ્યું છે કે આ બાબતની સ્થિતિ દર્શાવે છે કે હાઇકોર્ટ દ્વારા 17 ઓગસ્ટના રોજ અરજીને ફગાવી દેવામાં આવી હતી, પરંતુ કોર્ટમાં કોઈ કારણ આપવામાં આવ્યું ન હતું અને આદેશ હજુ સુધી સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યો નથી. 

પીઠે કહ્યું, આ પરિસ્થિતિમાં અમે આ કોર્ટના મહાસચિવને ગુજરાત હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલને પૂછપરછ કરવા અને આ તપાસ કરવાનો આદેશ આપ્યો છે કે વિવાદિત આદેશ અપલોડ કરવામાં આવ્યો છે કે નથી આવ્યો. અરજદારે એડવોકેટ વિશાલ અરુણ મિશ્રા મારફતે સર્વોચ્ચ અદાલતનો દરવાજો ખખડાવ્યો છે. અરજી કરનારના વકીલે પીઠને જણાવ્યું કે જ્યારે મેડિકલ બોર્ડની રચના કરવામાં આવી હતી ત્યારે અરજી કરનાર મહિલા 26 અઠવાડિયાની પ્રેગનન્ટ હતી. પીઠે પૂછ્યું, 11 ઓગસ્ટે તેને 23 ઓગસ્ટ સુધી ક્યા કારણોસર રોકી દેવામાં આવ્યું હતું. પીઠે એમ પણ કહ્યું કે અત્યાર સુધી કેટલા દિવસ બરબાદ થઇ ચુક્યા છે?

સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટને ફટકાર લગાવી

અરજદારના વકીલે રજૂઆત કરી હતી કે આ મામલો 23 ઓગસ્ટને બદલે 17 ઓગસ્ટે લિસ્ટ કરવામાં આવ્યો હતો.આ મામલાને સ્થગિત કરવામાં મૂલ્યવાન દિવસો વેડફાયા હતા, પીઠે કહ્યું કે જ્યારે અરજદારે ગર્ભાવસ્થાને સમાપ્ત કરવાની માંગ કરી હતી અને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો, તો તે પહેલાથી જ 26 અઠવાડિયાની ગર્ભવતી હતી.