રાજકારણ@દેશ: સંસદમાં વિપક્ષે કહ્યું, આ સરકાર બચાવો બજેટ, ભાજપના નિશાને લઘુમતીઓ
ખડગેએ સીતારમણને માતાજી કહ્યાં
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકારણમાં અવાર-નવાર કેટલીક બાબતે ચર્ચાઓ થતી હોય છે. સંસદમાં ચોમાસુ સત્રનો આજે (24 જુલાઈ) ત્રીજો દિવસ છે. રાજ્યસભામાં ચર્ચા દરમિયાન વિપક્ષે વોકઆઉટ કર્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણના ભાષણ દરમિયાન તેમણે કહ્યું હતું કે દરેક બજેટમાં તમને આ દેશના દરેક રાજ્યનું નામ લેવાની તક નથી મળતી. આનાથી નારાજ વિપક્ષના નેતાઓ શેમ-શેમના નારા લગાવતા ગૃહમાંથી બહાર નીકળી ગયા હતા.
INDIA ગઠબંઘનના નેતાઓએ કહ્યું- આ બજેટમાંથી 90% દેશ ગુમ છે. માત્ર બિહાર અને આંધ્રપ્રદેશને ખુશ કરવામાં આવ્યા છે, કારણ કે કેન્દ્ર સરકાર તેમના મુખ્યમંત્રીઓના આધારે ચલાવવામાં આવી રહી છે. આ મોદી સરકાર બચાવો બજેટ છે.
વિપક્ષે બજેટને ભેદભાવપૂર્ણ ગણાવ્યું ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું- બજેટમાં તમામ રાજ્યોનાં નામ લેવાની તક મળતી નથી. કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષના નેતાઓ જાણીજોઈને આવા આક્ષેપો કરી રહ્યા છે, જેથી લોકોને લાગે કે તેમના રાજ્યને કંઈ મળ્યું નથી, આ યોગ્ય નથી.
આ તરફ હોબાળા વચ્ચે લોકસભામાં પ્રશ્નકાળ ચાલી રહ્યો છે. આ પછી બજેટ પર ચર્ચા શરૂ થશે. ગઈકાલે નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. આજે બજેટ પર ચર્ચા થશે. આ માટે 20 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે.
I.N.D.I.A.ના તમામ સાંસદો સંસદમાં બજેટનો વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું- આ અન્યાય છે. અમે વિરોધ કરીશું. સપા-અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું- ખેડૂતોને ટેકાના ભાવ આપવાને બદલે સરકાર ગઠબંધન પક્ષોને બજેટ આપી રહી છે. કોંગ્રેસના મુખ્યમંત્રીઓએ નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કર્યો છે.