રિપોર્ટ@દિલ્હી: રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડનું કારણ સામે આવ્યું

પ્રયાગરાજ જતી કુંભ સ્પેશિયલ ટ્રેનના પ્લેટફોર્મ બદલવાની જાહેરાતને કારણે આ અકસ્માત થયો હતો.
 
રિપોર્ટ@દિલ્હી: રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડનું કારણ સામે આવ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં 18 લોકોનાં મોત નીપજ્યા હતાં. આ ઘટના અંગે RPFનો એક રિપોર્ટ બહાર આવ્યો છે, જેમાં જણાવાયું છે કે પ્રયાગરાજ જતી કુંભ સ્પેશિયલ ટ્રેનના પ્લેટફોર્મ બદલવાની જાહેરાતને કારણે આ અકસ્માત થયો હતો.

ઘટનાના એક દિવસ પછી 16 ફેબ્રુઆરીએ RPFએ દિલ્હી ઝોનને રિપોર્ટ સુપરત કર્યો. એમાં કહેવામાં આવ્યું છે કે 15 ફેબ્રુઆરીના રોજ રાત્રે લગભગ 8.45 વાગ્યે જાહેરાત કરવામાં આવી હતી કે પ્રયાગરાજ જતી કુંભ સ્પેશિયલ ટ્રેન પ્લેટફોર્મ નંબર 12 પરથી ઊપડશે. થોડા સમય પછી બીજી જાહેરાત કરવામાં આવી કે કુંભ સ્પેશિયલ ટ્રેન પ્લેટફોર્મ નંબર 16 પરથી ઊપડશે. આ પછી નાસભાગની સ્થિતિ સર્જાઈ.

રિપોર્ટ અનુસાર, આ સમયે મગધ એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર 14 પર ઊભી હતી, ઉત્તર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર 15 પર ઊભી હતી. પ્રયાગરાજ એક્સપ્રેસમાં ચઢવા માટે મુસાફરોની ભીડ પણ પ્લેટફોર્મ નંબર 14 પર હાજર હતી, એટલે ત્રણેય ટ્રેનમાં આવનાર-જનારની ભીડ પ્લેટફોર્મ પર પહેલાંથી જ હાજર હતી.

જાહેરાત સાંભળીને મુસાફરો પ્લેટફોર્મ 12-13 અને 14-15 પરથી ફૂટઓવર બ્રિજ 2 અને 3 દ્વારા સીડી ચઢવાનો પ્રયાસ કરવા લાગ્યા. આ સમય દરમિયાન મગધ એક્સપ્રેસ, ઉત્તર સંપર્ક ક્રાંતિ અને પ્રયાગરાજ એક્સપ્રેસના મુસાફરો સીડી પરથી નીચે ઊતરી રહ્યા હતા. ધક્કામુક્કી વચ્ચે કેટલાક મુસાફરો લપસી ગયા અને સીડી પર પડી ગયા, જેના કારણે નાસભાગ મચી ગઈ.